તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ધ્રાંગધ્રા પાસે લોકસાહિત્યકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કાર નદીમાં ખાબકીઃ હેમખેમ
બૈસાબગઢ નજીક રસ્તા ઉપરથી પસાર થતા સાપને બચાવવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતઃ કારના કાચ તોડી હકાભાને સુરક્ષિત બહાર કાઢયાઃ હકાભાનું નિવેદન - હું સંપૂર્ણ સ્વસ્થ છું

કલાકાર હકાભા ગઢવી ધ્રાંગધ્રાના બૌસાબગઢ ગામે તેમના મિત્રો સાથે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળારાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ એક સાપ પસાર થતા તેને બચાવવા જતા ફોર્ચ્યુનર ગાડી ગોધરા નામ નદીમાં ખાબકી હતી. જેમાં હકાભાનો બચાવ થયો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (રર.૩ક)
(ફઝલ ચૌહાણ-દિપક જાની દ્વારા) વઢવાણ-હળવદ, તા.૨૭: જાણીતા લોક સાહિત્યકાર-હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ હકાભા ગઢવી હળવદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચેથી સાપ પસાર થતા તેને બચાવવા જતાં સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેમની ફોર્ચ્યુનર કાર બૈસાબગઢની નદીમાં ખાબકી હતી.
અકસ્માતની જાણ થતાની સાથે જ આજુબાજુના યુવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નદીના પ્રવાહમાં ખાબકેલી કારના કાચ તોડીને યુવકોએ ટીંગાટોળી કરી હકાભા ગઢવી અને ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. હકાભા કારમાં પાછળ બેઠા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ નથી.
યુવકોએ કારમાંથી તમામ વસ્તુઓ પણ સલામત રીતે બહાર કાઢી હકાભાને સોંપી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ હકાભા ગઢવીએ જણાવ્યું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું. કોઈ ગંભીર ઈજા નથી, માત્ર મુંઢમાર જેવી ઈજાઓ છે. સ્થાનિક લોકોએ સમયસર બચાવી લીધા તેના માટે તેમનો આભાર માનું છું.
ફોર્ચ્યુનર કાર હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. હાલ કાર પાણીમાં ગરકાવ છે, તેને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા સમગ્ર ગુજરાતના કલાકારો દ્વારા હકાભા ગઢવીના ખબર-અંતર પૂછવામાં આવી રહ્યા છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
