<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

દ્વારકાધીશ મંદિરમાં ફ્લાય દુબઈના સાહસિક કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે વિશેષ પાદુકા પૂજન અને પ્રાર્થના : જુઓ વિડીયો

૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર પાયલોટની આરોગ્યપ્રાપ્તિ માટે પૂજારીશ્રીના સાનિધ્યમાં દ્વારકાધીશજીના શ્રીચરણોમાં કરાઈ વિશેષ અર્ચના

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા:ફ્લાય દુબઈની FZ1073 ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરો સવાર હતા તે દરમિયાન સર્જાયેલી ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિમાં અદમ્ય હિંમત અને સમયસૂચકતા દાખવનાર કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ અને સંપૂર્ણ આરોગ્યપ્રાપ્તિ માટે જગત મંદિર દ્વારકા ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુસાફરી દરમિયાન વિમાનમાં કૅપ્ટન સ્મિત મછાર પર જીવલેણ હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમણે અસાધારણ સાહસ દર્શાવી કૉકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી હતી. જેના પરિણામે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો સમયસર કૉકપિટમાં પ્રવેશી હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા હતા અને વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ શક્ય બન્યું હતું. આ સાહસિક ઘટનામાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી.

આ સાહસિક પાયલોટ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થાય તે હેતુથી સાંજે ૭:૩૦ કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દ્વારકા દ્વારા પૂજારીશ્રીના પાવન સાનિધ્યમાં વિશેષ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દ્વારકાધીશજીના શ્રીચરણોમાં ભક્તિભાવપૂર્વક અર્ચના કરી કૅપ્ટન સ્મિત મછારને શક્તિ, સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય અર્પણ થાય તેવી ભાવભરી પ્રાર્થના કરવામાં આવી હતી.

(11:27 PM IST)