તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જૂનાગઢના બેલા ગામમાં નારી શક્તિનો પરચમ : મતદાન મથકનું સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી મહિલાઓએ સંભાળી
જિલ્લાના પિંક બૂથ બન્યા આકર્ષણનું કેન્દ્ર : પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ પોલીસ સુરક્ષા સુધી તમામ મોરચે મહિલા કર્મચારીઓ ખડેપગે

વિનુ જોશી દ્વારા, જૂનાગઢ, તા. 26 : જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા સશક્તિકરણના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લાના બેલા ગામમાં મતદાન મથકની તમામ જવાબદારી મહિલાઓના ફાળે રહેતા નારી શક્તિનો સાચો પરિચય લોકશાહીના પર્વ દરમિયાન જોવા મળ્યો હતો.
સંપૂર્ણ મહિલા સંચાલિત મતદાન મથક
બેલા ગામના આ મતદાન મથકની વિશેષતા એ રહી કે અહીં વહીવટી અને સુરક્ષા એમ બંને પાંખમાં માત્ર મહિલાઓ જ તૈનાત હતી. પ્રિસાઇડિંગ ઓફિસર, મતદાન સ્ટાફ અને મતદાન મથકની અંદર તેમજ બહારની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ કર્મચારીઓ પણ મહિલાઓ જ હતા. વહેલી સવારથી જ આ શક્તિ સ્વરૂપા મહિલાઓએ અત્યંત શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. મહિલા સુરક્ષાકર્મીઓએ પણ લોખંડી બંદોબસ્ત જાળવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
ગામ માટે ગૌરવની ક્ષણ
બેલા ગામના સરપંચ અનિલકુમાર સાંકળીયાએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમના ગામ માટે આ ગૌરવપૂર્ણ બાબત છે કે આખી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. મહિલા અધિકારીઓએ ખૂબ જ કુશળતાપૂર્વક તમામ કામગીરી પૂર્ણ કરી છે. ગામમાં પિંક બૂથ તૈયાર થતા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જિલ્લામાં વિવિધ સ્થળે પિંક બૂથની વ્યવસ્થા
માત્ર બેલા ગામ જ નહીં, પરંતુ જૂનાગઢ જિલ્લામાં અન્ય પાંચ સ્થળોએ પણ આવા પિંક બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં વિસાવદરનું મોણીયા, મેંદરડાના ખડપીપળી ગામનું આંગણવાડી કેન્દ્ર, માળિયાની તાલુકા શાળા અને માંગરોળમાં રુદલપુર ખાતેની પ્રાથમિક શાળામાં સંપૂર્ણ મહિલા સંચાલિત મતદાન મથકો કાર્યરત કરાયા હતા. આ પિંક બૂથ દ્વારા સમાજમાં મહિલાઓની ક્ષમતા, નેતૃત્વ શક્તિ અને વહીવટી કુશળતાનો સકારાત્મક સંદેશો વહેતો થયો છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
