News of Monday, 16th November 2026
કચ્છના અત્યંત સંવેદનશીલ ખિદરત ટાપુ પર પરવાનગી વિના ઘૂસેલા પાંચ માછીમારો ઝડપાયા : જખૌ મરીન પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન
ત્રણ શખ્સો ટાપુ પર ઉતરીને તપાસ કરતા હતા જ્યારે બે માછીમારો બોટમાં બેસીને વોચ રાખતા હતા : મૂળ માંડવીના મોઢવા ગામના અને હાલ જખૌ બંદરે રહેતા પાંચેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી સાથે સઘન પૂછપરછ શરૂ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: કચ્છના દરિયાઈ સીમાડે આવેલા અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ખિદરત ટાપુ ઉપર કોઈપણ પ્રકારની પાસ-પરમિટ કે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પ્રવેશેલા પાંચ માછીમારોને જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની સંયુક્ત ટીમે દબોચી લીધા છે. સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ફરી રહ્યા છે, જેના આધારે તાત્કાલિક દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ટાપુ પર ઉતરેલા ત્રણ અને બોટમાં વોચ રાખતા બે શખ્સો પકડાયા:
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા પાંચ માછીમારો પૈકી ત્રણ શખ્સો બોટમાંથી ઉતરીને ખિદરત ટાપુ પર ફરી રહ્યા હતા, જ્યારે અન્ય બે શખ્સો દરિયામાં બોટમાં બેસીને આસપાસની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. સંયુક્ત ટીમે ઘેરાબંધી કરીને ટાપુ પરથી ત્રણેય અને બોટમાંથી બે મળી કુલ પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા માછીમારોની ઓળખ અને પોલીસ તપાસ:
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોની ઓળખ આધુ ગફુર ચંબા (ઉંમર ૨૫), કાદર જાકબ ચંબા (ઉંમર ૩૯), ઉમર ગફુર ચંબા (ઉંમર ૩૫), પાંજરી હારુન રશીદ સુલેમાન (ઉંમર ૫૦) અને મામદ જાકુ ચંબા (ઉંમર ૪૪) તરીકે થઈ છે. આ તમામ શખ્સો મૂળ કચ્છના માંડવી તાલુકાના મોઢવા ગામના વતની હોવાનું અને હાલમાં જખૌ બંદર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. સંવેદનશીલ ટાપુ પર પરવાનગી વિના જવા પાછળ તેમનો શું ઈરાદો હતો તે જાણવા માટે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
