News of Tuesday, 15th September 2026
નવાબંદર નજીક ‘માઘવી’ ફિશિંગ બોટ ડૂબી: ટંડેલ સહિત 12 માછીમારોએ દરિયામાં કૂદકો માર્યો :અન્ય બોટના ખલાસીઓએ તમામને બચાવી લીધા
ભારે વરસાદ અને પવન વચ્ચે વલસાડની ફિશિંગ બોટ દરિયામાં ડૂબવા લાગી: ભાથોડા વિસ્તારના પથ્થર સાથે બોટ અથડાતા આ ગંભીર ઘટના બની

ગીર સોમનાથના નવાબંદર નજીક ભારે વરસાદ અને પવન વચ્ચે વલસાડની ફિશિંગ બોટ દરિયામાં ડૂબવા લાગી હતી. ભાથોડા વિસ્તારના પથ્થર સાથે બોટ અથડાતા આ ગંભીર ઘટના બની હતી. બોટમાં ટંડેલ સહિત કુલ 12 માછીમારો સવાર હતા.
બોટ ડૂબવા લાગતા તમામ માછીમારોએ જીવ બચાવવા દરિયામાં કૂદકો માર્યો હતો. આ દરમિયાન આસપાસમાં માછીમારી કરી રહેલી અન્ય બોટના ખલાસીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સમયસર મદદ મળતા તમામ 12 માછીમારોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
માછીમારોના બચાવ બાદ ડૂબેલી ‘માઘવી’ બોટને પણ અન્ય બોટોની મદદથી નવાબંદર કાંઠે લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બોટ પથ્થર સાથે કેવી રીતે અથડાઈ અને નુકસાનનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
