<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

"પહેલા મતદાન, પછી ફેરા": વાંકાનેરના વરરાજા સાહિલ અગોલાએ લગ્ન પૂર્વે નિભાવી લોકશાહીની ફરજ

વોર્ડ નંબર-1 માં વરરાજાના વેશમાં સજ્જ થઈ મતદાન મથકે પહોંચ્યા; કહ્યું- "સાંસારિક જવાબદારી પૂર્વે નાગરિક ધર્મ સૌથી પહેલો"; યુવાનો માટે બન્યા પ્રેરણારૂપ

મોરબી તા.૨૬:  લોકશાહીના પર્વને વધાવતા વધુ એક જાગૃત નાગરિકનું ઉદાહરણ વાંકાનેરથી સામે આવ્યું છે. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના યુવાન સાહિલ જગદીશભાઈ અગોલાએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

"પહેલા મતદાન, પછી ફેરા" - આ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાહિલભાઈ વરરાજાના વેશમાં સજ્જ થઈને મતદાન કરવા પહોંચ્યા હતા. સાંસારિક જવાબદારીના મંગલ પ્રારંભ પૂર્વે નાગરિક ધર્મ નિભાવી તેમણે સમાજને પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો છે.

 

લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે લગ્નની શરણાઈઓ ગૂંજી રહી છે, ત્યારે સાહિલભાઈની આ અતૂટ નિષ્ઠા દર્શાવે છે કે મતદાન એ આપણા મહત્વના અધિકારની સાથે દેશના ભવિષ્ય માટેની નાગરિકની નૈતિક ફરજ છે. મતદાન મથકે ઉપસ્થિત સ્ટાફ અને અન્ય મતદારોએ વરરાજાના આ પગલાને વધાવી લીધું હતું.

 

વાંકાનેરમાં ચંદ્રપુરની નવવધૂ શાહનુર ગઢવારા બાદ હવે સાહિલ અગોલાના આ પગલાએ યુવા મતદારો માટે વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈ પણ વ્યક્તિગત પ્રસંગ લોકશાહીની ફરજથી ઉપર નથી.(-પારૂલ આડેસરા-માહિતી ખાતુ-મોરબી

(4:15 PM IST)