તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
બેટ દ્વારકામાં પ્રથમ તબક્કાનું પુરાતત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ : દરિયાના પેટાળમાંથી મળ્યા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો
રોમન સામ્રાજ્ય સાથેના વ્યાપારી સંબંધો અને પ્રોટોહિસ્ટોરિક કાળની માનવ વસવાટના પુરાવાઓ મળતા પુરાતત્વ વિભાગ ઉત્સાહિત

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવેલ પ્રથમ તબક્કાનું પુરાતત્વીય ઉત્ખનન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્રના પેટાળમાં અને કાંઠાના વિસ્તારોમાં ઝીણવટભર્યું સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની સમૃદ્ધ દરિયાઈ વિરાસતના અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા છે.
પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતે પોતે સ્થળ મુલાકાત લઈને મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉત્ખનનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા, બેટ દ્વારકા અને સમગ્ર ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રની સાંસ્કૃતિક વસાહત પદ્ધતિ અને પ્રાચીન દરિયાઈ વેપારની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે અને આયોજનબદ્ધ રીતે ઉત્ખનન કરવામાં આવ્યું છે.
પ્રાચીન વસાહતનું સાતત્ય અને મહત્વના પુરાવા:
અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ-પૂર્વ કિનારે BSD-1 થી BSD-4 તરીકે ઓળખાતા ચાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પથ્થરના સ્થાપત્યો મળી આવ્યા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે આ ટાપુ પર ‘પ્રોટોહિસ્ટોરિક’ (આધ્ય-ઐતિહાસિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસવાટ રહ્યો હતો.
રોમન સામ્રાજ્ય સાથેનો દરિયાઈ વેપાર:
સાહિત્યિક પરંપરાઓમાં ‘અંતરદ્વીપ’ અને પ્રાચીન ગ્રીક ગ્રંથ ‘પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’ માં ‘બારાકા’ તરીકે ઓળખાતો આ વિસ્તાર પ્રાચીન સમયમાં વિદેશી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતો. ઉત્ખનન દરમિયાન મળેલા સિક્કા અને વિદેશી બનાવટના માટીના વાસણો સૂચવે છે કે બેટ દ્વારકાનો રોમન સામ્રાજ્ય સહિતના અન્ય દેશો સાથે સીધો દરિયાઈ વેપારનો સંબંધ હતો.
પડકારજનક સંજોગોમાં સંશોધન:
અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં કીકરના વૃક્ષો અને થોરની ગીચ વનસ્પતિ જેવી પ્રતિકૂળતાઓ હતી, ત્યાં પણ અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં કામગીરી કરી છે. આ કામગીરી દરમિયાન જમીનની અંદર પથ્થરના બનેલા માળખાકીય બાંધકામના અવશેષો, કાચના મણકા, શંખની બંગડીઓ અને લોખંડની વસ્તુઓ મળી આવી છે, જે તે સમયની સંસ્કૃતિ અને વેપારી સંબંધો પર નવો પ્રકાશ પાડે છે. આ સંશોધન દ્વારા પ્રાચીન વિશ્વ સાથે ભારતના ગાઢ સંબંધો વિશે વધુ ઊંડી માહિતી મળવાની અપેક્ષા છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
