તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પ્રથમ નોરતે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા
ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા : ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ ઉમટયા : નવે નવ દિવસ યજ્ઞકાર્ય

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે ૧૧ ઓક્ટોબરને રવિવારના કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો. કાગવડ ગામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ મા ખોડલની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે શ્રદ્ધાળુઓ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, રાજકીય-સામાજિક આગેવાનો, ખોડલધામના ઝોન, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ યુવા સમિતિ, ખોડલધામ મીડિયા સમિતિ, ખોડલધામ લીગલ સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમના સભ્યો, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી અને ઠંડા પીણા સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
