તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઉનામાં ‘આપ'ના ઉમેદવાર અજયભાઇ ઉપર ફાયરીંગઃ ઇજા
ફાયરીંગ કરીને અજાણ્યા શખ્સો નાસી ગયાઃ પોલીસ દ્વારા તપાસમાં ફાયરીંગ થયાનો ઇન્કાર : એફએસએલ ટીમ દ્વારા તપાસ : જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી ગયા : અજયભાઇને ભાજપના આગેવાનો દ્વારા ઉમેદવારી પાછી ખેંચી લેવા ધમકી અપાઇ હતી ? : ફાયરીંગ બાદ રવિવારે મતદાન શાંતિપુર્વક યોજાઇ તે માટે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૪: સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડતા ઉમેદવાર અજયભાઇ ભાણાભાઇ બાંભણીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ થતા ચકચાર જાગી છે. આ ફાયરીંગ વખતે અજયભાઇ નીચા નમી જતા અજયભાઇને હાથમાં ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.
ઊના નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચ અને સાતમાં અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા અને તેમની પત્નીએ ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવી છે. મતદાનના ચાર દિવસ બાકી હોય ગત ગુરુવારે રાત્રે અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા પોતાના કબજા વાળી મોટર કાર નંબર GJ 32 K ૧૧૦૮ માં ઊના તરફ આવી રહ્યા હતા ત્યારે તપોવનના પાટિયા પાસે કોઈ બે અજાણ્યા શખ્સો મોઢે બુકાની બાંધી સામેથી આવી તેમની મોટર ઉપર ફાયરિંગ કર્યું હતું મોટરના આગલી સાઇડના કાચમાં કાણું પડી ગયું હતું.
અજયભાઈએ સમય સૂચકતા વાપરી નમી ગયા હતા અને હાથના ભાગે ઇજા થઈ હતી તેમણે જીવ બચાવવા મોટર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં બેભાન થયા હતા તેમને ઊનાની ખાનગી હોસ્પિટલ એપેક્ષમાં સારવાર ચાલુ છે.
આ બનાવની પોલીસને જાણ થતાં તે હોસ્પિટલે અને બનાવ સ્થળે તપાસ માટે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનાને ઇનકાર કર્યો હતો અને FSL ટીમને બોલાવી તપાસ શરૂ કરી છે. આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજા પણ ઊના પહોંચી ગયા છે.
આ બનાવ બનતા આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ રામ અને સેજલબેન ખૂંટ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મીડિયા વાળાને જણાવેલ કે આમ આદમી પાર્ટી ના ઉમેદવારને ભાજપના આગેવાનો દ્વારા ધમકી આપી ઉમેદવારી પાછી ખેંચી લેવા દબાણ કરેલ હતું પરંતુ ૨૧ ઉમેદવારોએ ફોર્મ પાછા ન ખેંચ્યા તેથી ડરાવવા આ હુમલો કરવામાં આવ્યો છે. અને પોલીસ તંત્રને પ્રશ્નો કરેલ કે ચૂંટણી સદર્ભે લોકો પાસેથી હથિયારો જમા કરાવવામાં આવેલ છે તો હુમલાખોરો પાસે હથિયાર કયાંથી આવ્યા તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે તેની પણ તપાસ થયા અને રવિવારે મતદાન શાંતિ પૂર્વક યોજાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત જળવાય અને તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારને પોલીસ રક્ષણ આપવા વિનંતી કરી છે. તેમજ અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા એ અગાઉ ઊનાના ધારાસભ્ય કાળુભાઈ વિશે સોશ્યલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરેલ ત્યારે તેમણે ઊના પોલીસમાં તેમની જાનનું જોખમ હોય તેમજ ધારાસભ્ય દ્વારા હુમલો કરાવશે? પોલીસ રક્ષણ માગેલ તો પોલીસે કેમ રક્ષણ ન આપ્યું તે તપાસનો વિષય છે.
તા ૨૬ ના ઊના નગર પાલિકાની ૨૮ બેઠકનું મતદાન યોજવાનું છે તો શાંતિ પૂર્વક નિર્ભય રીતે મતદાન યોજાય તે માટે પોલીસ તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. હજુ આ ઘટનાની પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવા તજવીજ થઈ રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
