તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નાવદ્રા ગામે જમીન ડખ્ખામાં ફાયરીંગ : લખમણ કરમૂરના પગમાં ગોળી વાગતા લોહીલુહાણ : જુઓ વિડીયો
ડેમ પાસે આવેલી વિવાદિત જમીનના મામલે લાંબા ગામના શખ્સોએ હથિયારો સાથે આવી લખમણ કરમૂર નામના વ્યક્તિ પર ગોળીબાર કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના ડેમ પાસે આવેલી એક વિવાદિત જમીનના કબજા અને માલિકી હકને લઈને બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું પરિણામ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, નાવદ્રા ગામના રહેવાસી લખમણ કરમૂર પોતાની વિવાદિત જમીન પર હતા તે સમયે લાંબા ગામના કેટલાક માથાભારે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સો સાથે થયેલી બોલાચાલી બાદ મામલો એટલો વણસી ગયો હતો કે તેમણે હથિયાર કાઢીને સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ આડેધડ ફાયરિંગમાં લખમણ કરમૂરના પગમાં ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલાખોરોએ ફાયરિંગ કરી સ્થળ પરથી પલાયન થઈ જવામાં સફળતા મેળવી હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લખમણ કરમૂરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હિંસક હુમલામાં લાંબા ગામના દેવસી ચેતરીયા અને અન્ય શખ્સો સામે નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. હિંસક અથડામણ બાદ ઘટનાસ્થળનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ફાયરિંગ અને ત્યારબાદની અફરાતફરી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દ્વારકા પોલીસ દ્વારા આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. ફાયરિંગ કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિવાદિત જમીનના કબજાને લઈને અગાઉ પણ કોઈ તકરાર હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ સમગ્ર નાવદ્રા ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
