<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ખંભાળીયામાં ‘ફોનવાલે' શોરૂમમાં આગ ભભુકીઃ લોકોમાં ભય ફેલાયો

ફાયર સેફટીની કોઇ સગવડ ન હોવાની ચર્ચાઃ મોટા પ્રમાણમાં નુકશાન થતુ અટકયું

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૭: ખંભાળિયામાં કાલે સાંજે જુના શારદા સિનેમા રોડ પર નવાપરા પાસે ફોનવાલેના શોરૂમ ઉપર એમ.ડી. હાઉસ પાસે ત્રીજે માળે શોધ સરકીટથી આગ લાગતા ભર બજાર જેવા ગીચ અને મેઇન રોડ નીકળતા વિસ્‍તારમાં આગ લાગતા તથા જવાળાઓ ફેલાતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.

ખંભાળિયામાં થોડા સમય પહેલા જ શોરૂમ ફોનવાલેનો શરૂ થયો હતો તથા લોહાણા અગ્રણી વીકીભાઇના આ શોરૂમની ઉપર ત્રીજા માળે ઓફિસમાં જવાળાઓ સાથે આગ લાગી હતી જે ફેલાવાની શરૂ થતા બનાવની જાણ થતા પાલિકાના ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર, ધવલ ગોઝીયા, નીમેશ પ્રજાપતિ, જયપાલસિંહ જાડેજા, જયપાલસિંહ ભાતેલવાળા તથા કૃષ્‍ણ ગઢવી તથા સુખદેવસિંહ વાઢેર બે ગાડીઓ ફાયરબ્રીગેડની લઇ ને બનાવના સ્‍થળે પહોંચી ગયા હતા તથા પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી તથા નજીકના મકાનોમાં આગ ફેલાતી અટકાવી હતી.

મુખ્‍ય રસ્‍તા પરના બિલ્‍ડીંગમાં આવી રીતે આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટયા હતા તથા થોડા સમય નવાપરાનો વાહન વ્‍યવહાર પણ થંભી ગયો હતો. આગમાં એસી તથા ફર્નિચર અને કિંમતી વસ્‍તુઓ નાશ પામી હતી તથા પરચુરણ સામાન સહિત આખા માળની તમામ વસ્‍તુઓ ભસ્‍મીભૂત થઇ હતી. જો આગ નીચેના માળે શોરૂમમાં ફેલાઇ હોત તો મોટુ નુકશાન થયુ હોત પણ આવડા શો રૂમ વાળી જગ્‍યામાં ફાયર સેફટીની કંઇ સગવડ પણ ન હોવાનું ચર્ચાઇ રહયુ છે

(1:08 PM IST)