તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Monday, 27th April 2026
કેશોદમાં કલરની દુકાનમાં ભંયકર આગ :ચાર ચોક વિસ્તારની શિવ ટ્રેડર્સમાં આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ
ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો: શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે આગનું સચોટ કારણ જાણવા તપાસ શરૂ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં અગ્નિકાંડની એક મોટી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચાર ચોક વિસ્તારમાં આવેલી એક કલરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર ચોક વિસ્તારમાં આવેલી 'શિવ ટ્રેડર્સ' નામની કલરની દુકાનમાં અચાનક આગ લાગી હતી. કલર અને કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો સામાન, જેમાં કલરના ડબ્બા અને અન્ય હાર્ડવેરની વસ્તુઓ સામેલ હતી, તે બળીને ખાખ થઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા જ કેશોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
