<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

જામનગરના સોલેરિયમ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ : ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં કાબૂમાં લીધી

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો અંદાજ, કારનો આગળનો ભાગ બળીને ખાખ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : જામનગર શહેરના સોલેરિયમ વિસ્તારમાં આજે  સવારે પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

 

મળતી માહિતી મુજબ સોલેરિયમ વિસ્તારમાં પાર્ક કરેલી જીજે-10-ડીજે-8959 નંબરની કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાય છે. સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

 

આગના કારણે કારનો આગળનો ભાગ અને અંદરનો ભાગ સંપૂર્ણ બળી જતા ભારે નુકસાન થયું છે. કારના માલિક વિશાલભાઈ, જેઓ કાર પાર્ક કરીને બાજુમાં નોકરી પર ગયા હતા, તેઓ જાણ થતા જ તુરત દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:39 PM IST)