<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અમરેલી જિલ્લામાં ભાજપના હોદ્દેદાર સામે દુષ્કર્મની FIR : રાત્રે મહિલાના ઘરે પહોંચ્યો, પોલીસનો ડર બતાવ્યો અને પછી...

રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા પોલીસ મથકે ફરિયાદ, બ્લેકમેઇલિંગનો પણ આક્ષેપ

અમરેલી તા.૨૧ : અમરેલી જિલ્લાના રાજકારણમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા તાલુકાની એક પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

 

ખાંભા તાલુકામાં રહેતી એક પરિણીત મહિલાએ ખાંભા પોલીસ મથકમાં ભાજપના હોદ્દેદાર વિક્રમ સાંખટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે આશરે ત્રણેક વર્ષ પહેલાં વિક્રમ સાંખટ સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ વિક્રમ સાંખટે સમૂહલગ્નમાં લઈ જવાના બહાને મહિલાને વાવેરા ગામે પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા અને ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હતી.

 

આ ઉપરાંત આશરે એકાદ વર્ષ પહેલા આરોપી મહિલાના પિયરે પહોંચ્યો હતો. જ્યાં તેણે મહિલાને પોલીસનો ડર બતાવીને ધમકાવી મહિલાના ઘરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણીને ઘરના રસોડામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

ભોગ બનનાર પરિણીતાએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વિક્રમ સાંખટ સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

નોંધનીય છે કે આરોપી વિક્રમ સાંખટની થોડા સમય પહેલા જ રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક થઈ હતી. હવે આ ફરિયાદ બાદ પક્ષ દ્વારા તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

(4:22 PM IST)