<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

આરટીઆઈ મામલે સાવરકુંડલાના પીઠવડી ગામે સરપંચ અને અરજદાર વચ્‍ચે મારામારીઃ બટકા ભર્યાનો આક્ષેપ

ગ્રામ પંચાયત કચેરીમાં માહિતી માંગવા મુદ્દે બોલાચાલી ઉગ્ર બની, બંને પક્ષો ઈજાગ્રસ્‍ત થઈ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ, પોલીસ તપાસ શરૂ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩: સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં RTI હેઠળ માહિતી માંગવા બાબતે મામલો ગરમાયો છે અને મારામારી સુધી પહોંચ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અરજદાર નીતિનભાઈ નડિયાદરા ગ્રામ પંચાયત કચેરીએ RTI હેઠળ માહિતી માંગવા ગયા હતા ત્‍યારે તેમની અને ગામના સરપંચ ભૌતિકભાઈ સુહાગિયા વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ બંને વચ્‍ચે હાથાપાઈ થઈ હતી.

નીતિન નડિયાદરાનો આક્ષેપ છે કે સરપંચે તેમના પર હુમલો કરી શરીર પર બટકા ભરી લીધા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. સરપંચ ભૌતિક સુહાગિયાનો સામો આક્ષેપ છે કે અરજદારે તેમના પર હુમલો કરી હાથના ભાગે બટકું ભરી ઈજા પહોંચાડી છે.

ઘટના બાદ બંને ઈજાગ્રસ્‍તો સારવાર અર્થે સાવરકુંડલા સરકારી સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા, જ્‍યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે.

આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે અને પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(10:53 AM IST)