<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

સુરેન્દ્રનગરના લીંબડી વોરા સોસાયટીમાં મધરાતે મકાનમાં ભીષણ આગ: દંપતીનું દાઝી જતાં મોત : ૨ નો આબાદ બચાવ

એસીમાં શોર્ટ સર્કિટથી લાગેલી વિકરાળ આગમાં સબીરભાઈ અને રસીદાબેન વોરાનું ઘટનાસ્થળે જ મોત : DYSP-ડેપ્યુટી કલેક્ટર સહિત અધિકારીઓ દોડી ગયા : ફાયર બ્રિગેડે ૨ વ્યક્તિઓને બચાવી લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૮ : સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી વોરા સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા દંપતીનું દાઝી જવાથી કરુણ મોત નિપજ્યું છે. એસીમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી વિકરાળ આગમાં સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગયું હતું.

 

પ્રાપ્ત વિગત મુજબ લીંબડી વોરા સોસાયટીમાં આવેલા સબીરભાઈ વોરાના મકાનમાં રાત્રિ દરમિયાન એસીમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનમાં સૂતેલા સબીરભાઈ વોરા અને તેમના પત્ની રસીદાબેન વોરા આગમાં ફસાઈ ગયા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 

ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમયસર કાર્યવાહી કરી મકાનમાં ફસાયેલા અન્ય બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.

 

મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાની ગંભીરતા જોતા DYSP અને ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં વધતી જતી આગની ઘટનાઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

 

મૃતક દંપતી સબીરભાઈ અને રસીદાબેન વોરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વોરા પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(9:29 AM IST)