તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
મોરબીમાં સોશિયલ મીડિયામાં સ્ટંટ કરવો પિતાને ભારે પડ્યો : સગીર પુત્ર પાસે કાર ચલાવડાવી જોખમ ઉભું કરતા પોલીસની લાલ આંખ : જુઓ વિડિઓ
માસૂમ બાળકને સ્ટીયરિંગ સોંપી પિતાએ જાહેરમાં જોખમી કરતબ કરાવ્યા : વીડિયો વાયરલ થતા જ હરકતમાં આવેલી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

(પ્રવીણ વ્યાસ દ્વારા,) મોરબી: મોરબીમાં આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને 'રીલ્સ' બનાવવાની ઘેલછામાં લોકો પોતાની અને અન્યોની સુરક્ષાને જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર પુત્ર પાસે કાર ચલાવડાવી સ્ટંટ કરાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મોરબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જવાબદાર પિતા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યા છે.
લાયસન્સ વગરના સગીરને સોંપ્યું સ્ટીયરિંગ
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં એક વાલીએ ટ્રાફિકના નિયમો અને સુરક્ષાના માપદંડોને નેવે મૂકીને પોતાના નાબાલક પુત્રને કાર ચલાવવા આપી હતી. માસૂમ બાળક કાર ચલાવી રહ્યો હતો અને પિતા તેની બાજુમાં બેસીને આ જોખમી કરતબને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ દરમિયાન જાહેર માર્ગો પર અન્ય વાહનચાલકો માટે પણ મોટું જોખમ ઉભું થયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
પોલીસની કડક કાર્યવાહી
જેવો આ સ્ટંટનો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયોના આધારે વાહન અને તેના માલિકની ઓળખ કરી હતી. હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમે તપાસ કરી સગીરના પિતા હરેશભાઈ દેવરાજભાઈ વામજા (રહે. જાનકી એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર ચોકડી પાસે) ને શોધી કાઢ્યા હતા. સગીર વયના બાળકને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા આપી લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
મોરબી પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળકોને વાહન ચલાવવા આપી જોખમ ઉભું કરનાર વાલીઓને છોડવામાં આવશે નહીં. પોલીસે વાલીઓને અપીલ કરી છે કે પોતાના બાળકોના મોજશોખ માટે તેમને જોખમમાં ન મૂકે. ઉલ્લેખનીય છે કે, હરેશભાઈ વામજા વિરુદ્ધ પોલીસે કલમ ૩, ૪ અને ૧૮૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અન્ય વાલીઓ માટે દાખલો બેસાડ્યો છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
