<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અલંગ પ્‍લોટ મેનેજર સહિત ૭નો અકસ્‍માતમાં ભોગ લેવાયો

ભાવનગરના કર્મચારીઓ અલંગમાં નોકરી કરવા જઈ રહયા હતા ત્‍યારે કાર ટ્રક પાછળ ઘુસી જતા દુર્ઘટના સર્જાઈ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૬: ભાવનગર જિલ્લામાં આજે સવારે અત્‍યંત કરુણ અને ગમખ્‍વાર માર્ગ અકસ્‍માત સર્જાયો છે. જેમાં ૭ના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલ પ્‍લોટ નંબર ૧૩૮, ૨૪B પારસ શિપ બ્રેકર, ડલ્‍કન શિપ બ્રેકર, વિજયકુમાર એન્‍ડ કંપનીના મેનેજર સહિત ૭ લોકોનો સ્‍ટાફ નોકરી અર્થે અલંગ તરફ જઈ રહ્યો હતો.

ત્‍યારે ત્રાપજ નજીક સર્વિસ રોડ પર સાઈડમાં ઉભેલી ટ્રક નંબર RJ 31 GA ૯૮૭૧ પાછળ તેમની કાર નંબર GJ 04 EP ૨૫૯૯ પૂરઝડપે ધડાકા ભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને ૬ લોકોના ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્‍યા હતા. જ્‍યારે કાર ચાલકને ગંભીર હાલતમાં હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્‍યું હતું.

આ અકસ્‍માતમાં ડ્રાઈવર, જયેશ વસાણી - સારવાર દરમિયાન મોત થયું છે જયારે  વિજયભાઈ વોરા, પિયુષભાઈ શાહ, પ્રિતેશ ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ,  હિરેનભાઈ મહેતા, યોગેશભાઈ શાહના ઘટના સ્‍થાને મોત થયા છે.

આ અકસ્‍માતની જાણ થતા ત્રાપજ પોલીસ અને અલંગ મરીન પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ભાવનગર સર ટી. હોસ્‍પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક સાથે ૭ કર્મચારીઓના મોતથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારના આગળના ભાગનો ભુક્કો

મળતી વિગતો અનુસાર, આજે સવારે ભાવનગરના રહીશો બોલેરો કાર નં. GJ-04-EP-૨૫૯૯ માં ભાવનગરથી અલંગ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. દરમિયાન ત્રાપજ નજીક આગળ જઈ રહેલા ટ્રેલર નં. RJ-31-GA-૯૮૭૧ એ અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બોલેરો કાબુ બહાર જઈને ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરોના આગળના ભાગનો છુંદો બોલી ગયો હતો અને કારનું વ્‍હીલ પણ બહાર નીકળી ગયું હતું. અકસ્‍માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્‍યા હતા.

૬ લોકોએ સ્‍થળ પર જ દમ તોડયો

આ ગમખ્‍વાર અકસ્‍માતમાં કારમાં સવાર વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈ એમ ૬ વ્‍યક્‍તિઓનું ઘટનાસ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે જયેશભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ સાથે બહાર કાઢવામાં આવ્‍યો હતો.

બનાવની જાણ થતાં જ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્‍ત જયેશભાઈને તાત્‍કાલિક સર ટી. હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતા જયાં તેનું મોત થયું છે.

પરિવારમાં કલ્‍પાંત

પ્રાથમિક તપાસમાં મળત્‍યુ પામનાર તમામ યુવકો અલંગના પ્‍લોટ નં. ૧૩૭ ના કર્મચારીઓ હોવાનું ખુલ્‍યું છે. આ પ્‍લોટના માલિક ભાવનગરના જયુભાઈ શાહ - ટાણાવાળા હોવાનું જાણવા મળ્‍યું છે અને મળતકોમાં પ્‍લોટના મેનેજરનો પણ સમાવેશ થાય છે. રોજની જેમ સવારે નોકરી પર જતી વખતે જ કાળે તેમને ભરખી લેતા પરિવારજનોમાં કલ્‍પાંત છવાયો છે. તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(2:51 PM IST)