તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Friday, 22nd May 2026
કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ૭ સભ્યો ઇજાગ્રસ્ત
જૂનાગઢથી દર્શન કરી પરત ફરતા બ્લોચ પરિવારની રિક્ષાને ખોટી સાઈડે આવેલી કારે મારી ટક્કર, ઇકો ચાલક ફરાર, પોલીસ ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: કાલાવડ-જામનગર હાઈવે પર વિજરખી ડેમની ગોળાઈ પાસે બુધવારે બપોરે ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જૂનાગઢથી દરગાહના દર્શન કરી પરત ફરી રહેલા એક જ પરિવારના સાત સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બનાવ બાદ ઇકો કારનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પંચકોશી એ. ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મકરાણી પાડો, લીમડા લાઇન, જામનગરના રહેવાસી સોહિલ બશીરભાઈ બ્લોચ (ઉ.વ. ૩૬) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તા. ૨૧/૦૫/૨૦૨૬ના રોજ પોતાના પરિવાર સાથે જૂનાગઢ દરગાહે દર્શન કરીને રિક્ષા નં. GJ-10-TZ-5741માં જામનગર પરત આવી રહ્યા હતા. બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે કાલાવડ-જામનગર હાઈવે પર વીજરખી ડેમ નજીક સામેથી પૂરઝડપે આવતી ઇકો કાર નં. GJ-10-DF-0249ના ચાલકે ખોટી સાઇડમાં આવીને બેદરકારીપૂર્વક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ફરિયાદી સોહિલભાઈને બંને પગમાં અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમની પત્ની ફિરદોષને ડાબા હાથ-પગમાં ગંભીર ઇજા થઈ હતી. દીકરી આફીયાને હાથ, પગ અને માથાના પાછળના ભાગે ઇજા થઈ છે, જ્યારે નાની દીકરી માલિયાને શરીરે છોલાછોલ સાથે પગમાં ફેક્ચર થયું છે. દીકરા ફરહાનને જમણી આંખ પાસે ઇજા પહોંચી છે. ઉપરાંત ફરિયાદીના ફઈ રજીયાબેન તથા અરવા એજાજભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ઇકો કાર ચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગ્ફલ્ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા CCTV ફૂટેજ અને વાહન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
