તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 5 લોકોના ઘટનાસ્થળે જ મોત : અન્ય બે લોકો ગંભીર
ત્રાપજ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક ખાનગી કાર ટ્રક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ : અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા હેઠળ આવતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ત્રાપજ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક પૂરપાટ ઝડપે જતી ખાનગી કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક અહેવાલો અનુસાર, કાર પોતાના નિર્ધારિત ગંતવ્ય તરફ જઈ રહી હતી ત્યારે ત્રાપજ પેટ્રોલ પંપ નજીક અચાનક સામેથી આવી રહેલા ભારે વાહન એટલે કે ટ્રક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓ તથા પેટ્રોલ પંપના કર્મચારીઓ તુરંત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
આ દુર્ઘટનામાં કારની અંદર સવાર મુસાફરો ફસાઈ ગયા હતા. કારમાં સવાર મુસાફરોમાંથી 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તેમના પરિવારજનોને આ મામલે જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે ગુનો નોંધી અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં તપાસ તેજ બનાવી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
