News of Friday, 4th September 2026
ઉના-તુલસીશ્યામ રોડ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ભડીયાદરના બે યુવકોના કરૂણમોત
બંને તહેવાર નિમિત્તે ઉના આવી રહ્યા હતા: અકસ્માત બાદ કારચાલક વાહન છોડીને ફરાર :મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા

ગીર સોમનાથના ઉના તાલુકામાં તુલસીશ્યામ રોડ પર કંસારી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ભડીયાદર ગામના કુલદીપ નામના 17 વર્ષીય યુવક અને જીગર નામના 21 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈ ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી ગામ નજીક સામેથી આવેલી કાર સાથે બાઈકની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકો તહેવાર નિમિત્તે ભડીયાદર ગામથી બાઈક પર ઉના તરફ આવી રહ્યા હતા. જોકે રસ્તામાં કંસારી ગામ નજીક કાળમુખી કાર સાથે અકસ્માત સર્જાતા બંને યુવકોના મોત થયા હતા. તહેવારની ખુશી વચ્ચે બનેલી આ કરૂણ ઘટનાથી પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ઘટનાસ્થળે કાર છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અકસ્મતમાં મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણો તેમજ ફરાર કારચાલક અંગે વધુ તપાસ કરી રહી છે.
તહેવારના માહોલ વચ્ચે બે યુવાનોના અકાળે મોતથી ભડીયાદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. તહેવારની ખુશી માતમમાં ફેરવાતા ગામમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
