News of Monday, 7th September 2026
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં ખેડૂતની આકરી લાચારી: પાક સુકાઈ જતાં સાવરકુંડલાના ખેડૂતે ૧૫ વીઘાનું ખેતર ગાયો માટે ખુલ્લું મૂકી દીધું!
દોઢ મહિનાથી વરસાદ ન વરસતાં રૂ. ૧ લાખથી વધુનો ખર્ચ માથે પડ્યો; આકાશ સામે તાકીને થાકેલા ખેડૂતે ભારે હૈયે લીધો આકરો નિર્ણય

સાવરકુંડલા, તા.૦૭: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની ભારે અછતના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. જુલાઈ મહિનામાં થયેલા પ્રારંભિક વરસાદ બાદ સમગ્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું સાવ કોરુંધાકોર જતાં વાવણી કરેલો પાક મુરઝાઈને સુકાવા લાગ્યો છે. વરસાદની ચાતક ડોકે રાહ જોઈને થાકેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક ખેડૂતે આખરે નિરાશ થઈને પોતાનો ઊભો પાક ગાયોને ચરાવવા માટે હવાલે કરી દીધો હોવાનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે.
મળતી વિગતો મુજબ, સાવરકુંડલાના ખેડૂત મગનભાઈ ડોબરિયાએ પોતાના ૧૫ વીઘા ખેતરમાં મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને વાવણી કરી હતી. તેમને આશા હતી કે ઉત્તરાર્ધમાં સારો વરસાદ થશે અને ઉપજ સારી આવશે. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી એક છાંટો પણ ન વરસતાં, ખેતરમાં ઊભેલો પાક ધીમે ધીમે આંખો સામે જ કરમાવા લાગ્યો હતો. સિંચાઈના પાણીના અભાવે અને વરસાદના કોઈ એંધાણ ન દેખાતાં મગનભાઈએ આખરે ભારે હૈયે ખેતરમાં ગાયોને ચરવા માટે છોડી દીધી હતી.
મગનભાઈના જણાવ્યા અનુસાર, તેમણે વાવણી અને મજૂરી પાછળ આશરે ૧ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો, જે હવે પૂરેપૂરો પાણીમાં ગયો છે. માત્ર અમરેલી જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે ખેંચના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની આરે છે. પાક નિષ્ફળ જવાની સાથે સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર કટોકટી પણ ડોકાઈ રહી છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
