News of Monday, 12th October 2026
મોરબી-વાંકાનેરના ૨૨ ગામોમાંથી પસાર થતા હાઇવે બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
વઘાસિયાથી ગાળા સુધીના ૫૨ કિમી બાયપાસમાં ફળદ્રુપ જમીન કપાત સામે રોષઃ વળતર વગર તાનાશાહીથી કામ થશે તો માગે લડતની ચીમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૨૭ ના વઘાસિયાથી ગાળા સુધીના અંદાજે ૫૨ કિલોમીટરના બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં મોરબી અને વાંકાનેર તાલુકાના ૨૨ જેટલા ગામોના ખેડૂતોની કિંમતી, ઉપજાવ અને ફળદ્રુપ ખેતીની જમીન કપાતમાં જતી હોવાથી તમામ ગામોના ખેડૂતો એકસૂરે આ બાયપાસનો સખત બહિષ્કાર કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર આ મામલે સરકાર અને તંત્રને અનેક વખત લેખિત વાંધા અરજીઓ તથા આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. ખેડૂતોની પરવાનગી કે સંમતિ વિના સર્વે કરવા તેમજ ખેતરોમાં ખૂંટા ખોડવા જેવી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવતા ખેડૂતોએ તેનો તાત્કાલિક વિરોધ કરીને કામ અટકાવી દીધું હતું. જોકે, આગામી દિવસોમાં તંત્ર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરાવવા આવે તેવી આશંકા સેવાઈ રહી છે.
નીચી માંડલ ખાતે ૨૨ ગામોના આગેવાનોની બેઠક યોજાઈ
આ સમગ્ર મામલે આગળની લડત અને રણનીતિ નક્કી કરવા માટે નીચી માંડલ ખાતે અસરગ્રસ્ત ૨૨ ગામોના ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, જમીન સંપાદન કે યોગ્ય વળતર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય થયો નથી. તંત્ર માત્ર જંત્રી મુજબ નજીવું વળતર ચૂકવવા માંગે છે, જ્યારે ખેડૂતો તેમની કિંમતી જમીન ગુમાવવા તૈયાર નથી અને યોગ્ય વળતરની માંગ સાથે બાયપાસના રૂટનો પણ વિરોધ કરી રહ્યા છે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોની માંગણીઓ અને વિરોધને ધ્યાને લીધા વિના તાનાશાહી પદ્ધતિથી બળજબરીપૂર્વક કામ શરૂ ક૨વામાં આવશે, તો તમામ ગામોના ખેડૂતો એકત્ર થઈને ધરણાં, રેલી સહિત ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
