<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

મોરબીમાં ખેડૂતોનો હુંકાર: વીજ પોલના વળતર માટે આંદોલનનું ત્રીજું ચરણ શરૂ, રાજકીય નેતાઓને બાકાત રાખી રચાશે 6 ખાસ સમિતિઓ

સરકારના વળતરથી ખેડૂતો અસંતુષ્ટ: રાજસ્થાનની જેમ 'ચાર ગણા' વળતરની માંગ સાથે હવે ગામડે-ગામડે જઈને જગાડાશે જનચેતના

મોરબી : મોરબીના જેતપર ગામે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને ટાવરના વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. ગાંધીનગર કૂચ અને લાંબા ઉપવાસ આંદોલન બાદ પણ સરકારની જાહેરાતોથી સંતોષ ન પામેલા ખેડૂતોએ હવે આંદોલનને વધુ ધારદાર બનાવવા માટે 'આંદોલન પાર્ટ-3'ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ આંદોલનને સંપૂર્ણપણે બિનરાજકીય રાખવા માટે ખેડૂતોએ કમર કસી છે.

બિનરાજકીય આંદોલન માટે 6 ખાસ કમિટીઓની રચના

જેતપર સ્થિત રામવાડી ખાતે મળેલી ખેડૂતોની મહાસભામાં રણનીતિ ઘડતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ લડત કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ નહીં રહે. આ માટે સોશિયલ મીડિયા સેલ, લીગલ સેલ, ગ્રામ સંપર્ક સંવાદ, ભોજન વ્યવસ્થા સહિત કુલ 6 અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓમાં કોઈપણ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે નેતાઓને સ્થાન આપવામાં આવ્યું નથી. આ સમિતિઓનું મુખ્ય લક્ષ્ય ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચીને ખેડૂતોને તેમના હક માટે જાગૃત કરવાનું રહેશે.

વળતરના મુદ્દે સરકાર સાથે આર-પારનો જંગ

સરકારે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા વીજ ટાવર અને લાઈન માટેના વળતરમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે, ખેડૂતોએ આ જાહેરાતને નકારી કાઢી છે. આંદોલન સમિતિના સભ્ય પ્રતિક પટેલના જણાવ્યા અનુસાર, સરકારનો તાજેતરનો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી. ખેડૂતો રાજસ્થાનની જેમ જમીનના બજાર ભાવના ચાર ગણા વળતરની માંગ પર અડગ છે. હવે રાજ્યના 24 જિલ્લાઓમાં આવી જ રીતે કમિટીઓ બનાવીને, ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપીને સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવશે.

મંચ પરથી આકરા શબ્દોમાં વિરોધ

આંદોલનની બેઠક દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ જોવા મળ્યું હતું. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ જાહેર મંચ પરથી ધારાસભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ખેડૂતોના હિત વિરુદ્ધ કામ કરનારા અને ખેડૂતોની હાજરીમાં કંઈક અને સરકારમાં જઈને કંઈક અલગ બોલનારા જનપ્રતિનિધિઓને આ વખતે છોડવામાં નહીં આવે. ખેડૂતોના હકનું વળતર ન મળે ત્યાં સુધી આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી મક્કમતા વ્યક્ત કરવામાં આવી હતી.

(10:42 PM IST)