<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

મોરબીના હળવદ તાલુકાના સાપકડા ગામે ખેતરમાં વીજપોલ ઉભા કરવા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે કામગીરી અટકાવી, તંત્ર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ

ખેડૂતોનો આક્ષેપ: જમીન સંપાદન વગર અને પૂરતા વળતર વિના ખેતરમાં થાંભલા ઉભા કરાઈ રહ્યા છે, ઉભા પાકને નુકસાન અને ભવિષ્યમાં ખેતી કરવામાં પડશે મુશ્કેલી, PGVCLના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમજાવટના પ્રયાસ કર્યા

હળવદ તા.૨૫  : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વીજ કંપની દ્વારા ખેતરોમાં ઉભા કરવામાં આવી રહેલા હાઈટેન્શન લાઈનના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. યોગ્ય વળતર અને જમીન સંપાદનની કાર્યવાહી વિના ખેતરમાં થાંભલા ઉભા કરવાના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ કામગીરી અટકાવી દીધી હતી, જેના કારણે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

 

પ્રાપ્ત વિગતો મુજબ PGVCL દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતી નવી 66 KVની વીજલાઈન માટે સાપકડા ગામની સીમમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા જમીન સંપાદનની કોઈ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી અને ખેડૂતોને થતા નુકસાન સામે નજીવું વળતર આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે વીજપોલના કારણે તેમના ખેતરનો કેટલોક ભાગ કાયમ માટે બિનઉપયોગી બની જાય છે. ટ્રેક્ટર અને અન્ય ઓજારો ફેરવવામાં મુશ્કેલી પડે છે અને ઉભા પાકને પણ મોટું નુકસાન થાય છે.

 

આજે સવારે જ્યારે કોન્ટ્રાક્ટરની ટીમ પોલ ઉભા કરવા માટે સાપકડા ગામની સીમમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોએ ‘જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી એક પણ થાંભલો ઉભો કરવા દઈશું નહીં’ના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મામલો બિચકતા હળવદ તાલુકા પોલીસ અને PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

ખેડૂત આગેવાનોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે સરકારના નિયમ મુજબ વીજલાઈન માટે ખેતરમાં થાંભલો ઉભો થાય ત્યારે જમીનના બજાર ભાવ મુજબ વળતર ચૂકવવું જોઈએ. ઉપરાંત પાક નુકસાની અને ખેતીની કાયમી અગવડતા બદલ અલગથી વળતર મળવું જોઈએ. પરંતુ કંપની દ્વારા માત્ર પોલ ઉભો થાય તે પૂરતી જગ્યાનું જ નામનું વળતર આપવામાં આવે છે, જે ખેડૂતોને મંજૂર નથી.

 

બીજી તરફ PGVCLના અધિકારીઓએ ખેડૂતોને સમજાવતા જણાવ્યું કે વીજલાઈનનું કામ જાહેર હિત માટે છે અને નિયમો મુજબ જ વળતરની ચુકવણી કરવામાં આવે છે. જો ખેડૂતોને વળતરની રકમ સામે વાંધો હોય તો તેઓ કલેક્ટર કચેરીમાં અરજી કરી શકે છે. લાંબી ચર્ચા અને સમજાવટ બાદ ખેડૂતો શાંત પડ્યા હતા, પરંતુ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી લેખિતમાં યોગ્ય વળતરની ખાતરી નહીં મળે ત્યાં સુધી કામ શરૂ થવા દેવામાં આવશે નહીં.

 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ સાપકડા ગામની સીમમાં ખેતરમાં ઢોર ન આવે તે માટે લાકડાના થાંભલા ખોડવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. હવે વીજપોલના વળતર મુદ્દે ફરી એકવાર ગામમાં વિવાદ સર્જાતા તંત્ર માટે સ્થિતિ પડકારજનક બની છે. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલુ છે. 19fd

(4:26 PM IST)