તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
જેતપર ખેડૂત આંદોલન વધુ તેજ બન્યું : આજે રાત્રે ૨૫ હજાર ખેડૂતોને જેતપુર છાવણીએ એકત્ર થવા મનોજ પનારાનું મોટું આહવાન : જુઓ વિડીયો
ભ્રામક ઓડિયો-વિડિયોથી ગેરમાર્ગે દોરાયા વિના મુખ્ય ૬ માંગણીઓ પર અર્જુનની જેમ નજર રાખવા પાટીદાર નેતાની હાકલ : નેહુલ અમૃતિયા ૧૦૦૦ કેરેટનું સોનું હોવાનો દાવો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: જેતપર ખાતે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે આરપારની લડાઈ તરફ આગળ વધી રહ્યું છે. પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ અને અગ્રણી નેતા મનોજ પનારાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવીને આંદોલન મુદ્દે એક બહુ મોટો હુંકાર કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની એકતા તોડવાના થઈ રહેલા કથિત પ્રયાસોનો આકરો વિરોધ કરતા તેમણે મોરબી સહિત સમગ્ર રાજ્યભરના ખેડૂતોને આજે રાત્રે ૮:૦૦ વાગ્યે જેતપુર ખેડૂત ઉપવાસ છાવણી ખાતે આયોજિત લોક ડાયરામાં ૨૫,૦૦૦ ની પ્રચંડ સંખ્યામાં ઉમટી પડવા માટે જાહેર અપીલ કરી છે.
નેહુલ અમૃતિયા ૧૦૦૦ કેરેટનું સોનું, ખોટા સાબિત કરો તો આજીવન મુંડનની ચેલેન્જ
સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન મનોજ પનારાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે સરકારે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું છે, જેના કારણે હવે આંદોલનને નબળું પાડવા અને તોડવા માટેના દાવપેચ ખેલાઈ રહ્યા છે. ભ્રામક ઓડિયો અને વિડિયો વાયરલ કરીને આંદોલનના નેતાઓને બદનામ કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે સભા સમક્ષ છાતી ઠોકીને ગર્જના કરી હતી કે, ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયા ૧૦૦ ટચનું નહિ પરંતુ ૧૦૦૦ કેરેટનું શુદ્ધ સોનું છે. જેતપરનો કોઈપણ યુવાન આ વિવાદમાં દોષિત નથી, અને જો કોઈ તેને દોષિત સાબિત કરી આપે તો પોતે આજીવન મુંડન કરાવીને ફરવા તૈયાર છે તેવી ખુલ્લી ચેલેન્જ તેમણે વહીવટી તંત્રને ફેંકી છે.
સરકાર મૌખિક આશ્વાસન નહીં, રાજસ્થાનની જેમ ૪ ગણું વળતર લેખિતમાં આપે
ખેડૂતોને એકજૂથ રહેવા અપીલ કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, અત્યારે કોણ સાચું અને કોણ ખોટું તે વિવાદમાં પડવાનો સમય નથી. ખેડૂતોએ માત્ર પોતાની મુખ્ય ૬ માંગણીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અર્જુનની જેમ માત્ર માછલીની આંખ પર ધ્યાન રાખીને બજાર ભાવથી ૪ ગણું વળતર મેળવવાનું લક્ષ્ય રાખવું પડશે. સરકારે હાલ બજાર ભાવથી ૨ ગણું વળતર આપવાની વાત મૌખિક રીતે સ્વીકારી છે, પરંતુ આપણને રાજસ્થાન રાજ્યની જેમ બજાર ભાવથી ૪ ગણું વળતર જોઈએ છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં સત્તાવાર પરિપત્ર જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું મૌખિક આશ્વાસન માન્ય રાખવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હજુ આગામી ૫ દિવસ સુધી આ છાવણી અને ખેડૂત આંદોલન અવિરતપણે ચાલુ જ રહેશે.
ટ્રેક્ટર-ટેમ્પો લઈને દીકરી વિનિષા પટેલના ડાયરામાં ઉમટી પડવા હાકલ
મનોજ પનારાએ પાટીદાર યુવા સેવા સંઘ મોરબી જિલ્લાના ૨૦,૦૦૦ સક્રિય યુવાનો સહિત મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદ પંથકના તમામ જ્ઞાતિ-ધર્મના ખેડૂતો, સ્થાનિક વેપારીઓ અને માતા-બહેનોને ભાવભરી હાકલ કરી છે કે, આજે રાત્રે ૮:૦૦ વાગ્યે જેતપુર ખાતે યોજાનારા ખેડૂત પુત્રી વિનિષા પટેલના લોક ડાયરાના કાર્યક્રમમાં વિશાળ જનમેદની સાથે પહોંચી જાય. ખેડૂતો પોતપોતાના ટ્રેક્ટર, ટેમ્પો કે કાર લઈને આ સ્થળે ૨૫,૦૦૦ લોકોનો મોટો જમાવડો કરે અને સરકારને ખેડૂત સમાજની જડબાતોડ તાકાતનો પરચો બતાવે તેવો આ યોગ્ય સમય આવી ગયો છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
