News of Friday, 21st August 2026
ખેડૂતની કમાલઃ જમીન નહીં વેલ પર ઉગાડયા બટેટાઃ વેચાય છે ૧૦૦ રુપિયે કિલો
ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયાએ નવતર પ્રયોગ કરીને એર પોટેટોનું વાવેતર કર્યું : આ બટેટા સામાન્ય કરતા સ્વાદમાં ખૂબ સારા અને ચિપ્સ માટે ઉત્તમ ક્વોલિટીના માનવામાં આવે છે

નવી દિલ્હી,તા.૨૧: દેશમાં મોટા પ્રમાણમાં બટેટાની ખેતી થાય છે. સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત રીતે બટેટાની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને ઘણી વખત દુકાળ, ગરમી અને વરસાદ સહન કરવો પડે છે, જેનાથી પાકને નુકસાન થાય છે. ત્યારે વૈજ્ઞાનિકોએ બટેટાની ખેતી કરવા માટે નવી ટેક્રોલોજી શોધી છે. આ ટેક્રોલોજીથી તમે હવામાં બટેટાની ખેતી કરી શકો છો. આ ટેક્રોલોજીનું નામ એરોપોનિક ફાર્મિગ છે. જેમાં પારંપરિક ખેતીની સરખામણીએ ૧૦ ગણું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેને હરિયાણાના કરનાલ જિલ્લા ખાતે પોટેટો ટેક્રોલોજી સેન્ટરે તૈયાર કરી છે.
આવી જ એક અનોખી ખેતી ગુજરાતના દ્વારકાના એક ખેડૂતે કરી છે. ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયાએ નવતર પ્રયોગ કરીને એર પોટેટોનું વાવેતર કર્યું છે. ખેતી તરફ વળેલા વ્રજલાલભાઈ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે. હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે. શું છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ પણ રસપ્રદ છે.
મુખ્યત્વે, બટેટાએ કંદમૂળ પાક છે અને જમીનની અંદર થતો આ પાક છે. સામાન્ય રીતે બટેટા બજારમાં ઓછી કિમતે બજારમાં ઉપલબ્ધ રહે છે. પરંતુ વ્રજલાલ સુરેલીયા દ્વારા વેલ પર પાકવવામાં આવતા બટેટાની ખેતી શરૂ કરી છે. એક વખતે આ બટેટા જમીનમાં વાવી દીધા બાદ એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને વેલના સ્વરૂપમાં ઉપર તરફ તેની ઊપજ આવે છે.
વેલાવાળા શાકની જેમ આ વેલમાં જ બટેટા આવે છે. આ બટેટા સામાન્ય કરતા સ્વાદમાં ખૂબ સારા અને ચિપ્સ માટે ઉત્તમ કેવાલિટીના માનવામાં આવે છે અને એટલે જ ઓનલાઇન આનો ભાવ ૧૦૦ રુપિયા સુધી કિલો મળે છે. વ્રજલાલભાઈ સુરેલીયાએ એક વર્ષ પહેલા પોતાના ઓછી જમીનમાં સિમેંટના થાંભલાની મદદથી ટપક સિચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટોની ખેતી શરૂ કરી હતી.
એર પોટેટો એટલે જમીનમાં નહિ વેલામાં ઉગતા બટેટા એટલે જ આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે આ પાકમાં હાલ તમામ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા વ્રજલાલ ભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેમને એર પોટેટોનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ઓનલાઇન તેઓ આ બટેટાનું વેચાણ કરી રહ્યા છે. તેઓ ઓનલાઇન ૧૦૦ રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચાણ કરી રહ્યા છે જેનાથી ગ્રાહકો આકર્ષાયા છે.
આ ખેતીમાં તેઓ ટપક સિચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેઓએ પ્રથમ વર્ષે આ પ્રકારે સેટઅપ ગોઠવ્યું છે. આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને શરીરને પણ નુકસાન ન પહોંચે. આ ઉપરાંત આ પાકનો ખેડૂતોને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે.
હાલ વ્રજલાલભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે. ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે. વ્રજલાલ સુરેલીયા માત્ર ૩ વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો સહિતના પાક લઇ રહ્યા છે. તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક હોવાનું જણાવી રહ્યા છે.
આ ખેતી દ્વારા સારું ઉત્પાદન અને સારા ભાવો ઓછી ખેતીમાં મેળવી શકાય છે. એર પોટેટોની ખેતીએ દ્વારકામાં પગ પસેરો કર્યો છે ત્યારે આવનારા દિવસોના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તો ફાયદો થઈ શકે છે. આમ બટેટાની ઉત્પાદન ક્ષમતા વધી જાય છે. આ ટેક્રોલોજી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ટેક્રોલોજીમાં ખર્ચ ઓછો થાય છે અને બમ્પર ઉત્પાદન થવાથી મોટી કમાણી કરી શકાય છે. આ ખેતીમાં ઓછી જગ્યામાં ૩-૪ ગણું ઉત્પાદન થાય છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
