<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જસદણના આથમણી સીમના ખેડૂતો ભૂંડના ત્રાસથી ત્રાહિમામઃ તંત્રને કાયમી નિરાકરણ માટે રજૂઆત

ચીતળીયા રોડથી આટકોટ રોડ અને રૂડા ભગતની ફેક્‍ટરીથી ભાદર કાંઠા સુધીના વિસ્‍તારમાં પાકનો નાશ : રાત-દિવસ ખેતરોમાં ઘૂસતા ભૂંડના જૂથથી ખેડૂતો હેરાન

(હુસામુદીન કપાસી-હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા.૨૩: જસદણ ગામના આથમણી સીમના ખેડૂતોએ ભૂંડના વધતા ત્રાસને લઈને તંત્ર સમક્ષ કાયમી નિરાકરણની માંગણી કરી છે. તા. ૨૨-૦૬-૨૦૨૬ ના રોજ ખેડૂતોએ નાયબ કલેક્‍ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને જસદણ નગરપાલિકાના પ્રમુખને લેખિત અરજી આપી છે.

અરજીમાં ખેડૂતોએ જણાવ્‍યું કે જસદણ ગામના ચીતળીયા રોડ ખારીથી આટકોટ રોડ ખારી વિસ્‍તાર સુધી અને રુડા ભગતની ફેક્‍ટરી પાછળ પાટી વિસ્‍તારથી આડી ભાદર કાંઠા સુધીના ખેતરોમાં છેલ્લા ઘણા સમયથી ભૂંડનો ત્રાસ ખૂબ વધી ગયો છે. નાના-મોટા ભૂંડના જૂથ રાત અને દિવસના સમયગાળામાં ખેડૂતોની ગેરહાજરીમાં ખેતરમાં પ્રવેશીને નવા વાવેતર કરેલ પાક અને ઊભા પાકનો સંપૂર્ણ નાશ કરી નાખે છે. જમીન ખેદાન-મેદાન કરી દે છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્‍યું કે જ્‍યારે તેઓ પોતાની જમીનમાં હાજર હોય અને ભૂંડના જૂથને ભગાડવા જાય તો ભૂંડ સામા હુમલો કરે છે, જેના કારણે ખેડૂતોએ જીવ બચાવવા ભાગવું પડે છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થતાં ઘણા ખેડૂતોએ આગોતરું મગફળીનું વાવેતર કરેલું છે, પરંતુ ભૂંડના જૂથ નવા વાવેતરના બીજ ખોદી ખાઈ જવાથી ખેડૂતોને ન પૂરી શકાય તેવું મોટું નુકસાન થઈ રહ્યું છે.

આથી જસદણ ગામના આથમણી બાજુના સીમજમીનોના ખેડૂતોએ તંત્રને વિનંતી કરી છે કે ભૂંડના ત્રાસમાંથી કાયમી છુટકારો અપાવવા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોની આ રજૂઆત બાદ તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે. 

(11:29 AM IST)