તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
મોરબીના જેતપરમાં ખાનગી કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન ૧૦મા દિવસે પણ અણનમ : અન્નદાતાના સમર્થનમાં મહેન્દ્રનગરથી જેતપર સુધી વેપારીઓની પ્રચંડ કાર રેલી યોજાઈ
કાળઝાળ ગરમી વચ્ચે નેહુલ અમૃતિયાની તબિયત વધુ નાજુક બનતાં ચિંતાની લાગણી : પાટીદાર અગ્રણીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજતાં આગામી બે-ત્રણ દિવસમાં સુખદ ઉકેલના મજબૂત સંકેતો

મોરબી:ખાનગી કંપનીની જોહુકમી અને અન્યાયી નીતિઓ સામે મોરબીના જેતપર ખાતે હક્કની લડાઈ લડી રહેલા અન્નદાતાઓની સડક પરની જંગ આજે દસમા દિવસે પણ યથાવત અને વધુ મજબૂત બની છે. કાળઝાળ ગરમી અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો અન્ન-જળના ત્યાગ સાથે ઉપવાસ છાવણી પર અડગ રહીને વહીવટીતંત્રને હચમચાવી રહ્યા છે. આ આંદોલનની આગ હવે માત્ર ગામ પૂરતી સીમિત ન રહેતા વ્યાપક બની રહી છે, જેના સમર્થનમાં મોરબીના પ્રતિષ્ઠિત વેપારી મંડળો અને સંતો-મહંતો પણ ખુલ્લીને મેદાનમાં આવી ગયા છે. બીજી તરફ, મામલો વધુ બિચકતાં રાજકીય સ્તરે પણ હલચલ તેજ થઈ છે અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ઉપવાસીઓની તબિયત લથડવા છતાં છાવણી પર ખેડૂતોનો જમાવડો યથાવત:
આ કટોકટી ભરેલા આંદોલનમાં ૧૦ દિવસ લાંબા સમયથી અણનમ બેઠેલા આંદોલનકારી નેહુલ અમૃતિયાની તબિયત કાળઝાળ ગરમીના કારણે ફરી એકવાર ગંભીર રીતે નાજુક બની છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ પૂર્વે અન્ય અગ્રણી આંદોલનકારી નીલેશ એરવાડિયાની તબિયત પણ બે વખત બગડી ચૂક્યા બાદ સારવાર લેવી પડી હતી. તબીબી અડચણો, શારીરિક નબળાઈ અને સ્વાસ્થ્યની અત્યંત નાજુક સ્થિતિ હોવા છતાં ખાનગી કંપની સામે નમતું ન જોખવાના મક્કમ નિર્ધાર સાથે ખેડૂતો આંદોલન છાવણી પર ડટેલા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ખેડૂતો રોજ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે અને સમર્થનનો ઉમેરો થઈ રહ્યો છે.
વેપારીઓની કાર રેલીથી હાઇવે ગુંજ્યો, યોગાચાર્ય રુદ્રાંશજી મહારાજનું સમર્થન:
દેશના અન્નદાતા પર થઈ રહેલા અન્યાય સામે મોરબીના વેપારી આલમે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. 'મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન' દ્વારા ખેડૂતોના સમર્થનમાં મહેન્દ્રનગરથી જેતપર સુધી એક ભવ્ય અને વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો કાર સાથે નીકળેલી આ રેલી જ્યારે જેતપર ગામે પહોંચી ત્યારે હજારો ગ્રામજનો અને આંદોલનકારી ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે તેનું અભૂતપૂર્વ સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત, પ્રખ્યાત યોગાચાર્ય રુદ્રાંશજી મહારાજે પણ આજે ઉપવાસ છાવણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોની માંગણીઓને વ્યાજબી ગણાવી પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું અને દેશભરના સંતો-મહંતોને પણ ખેડૂતોના પક્ષમાં આગળ આવવા માટે ખુલ્લી અપીલ કરી હતી.
મુખ્યમંત્રી સાથેની બેઠક સફળ: આગામી ૪૮ કલાકમાં જાહેરાતની શક્યતા:
આંદોલનની ગંભીરતા અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતાં પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનોએ આ મામલે મધ્યસ્થી શરૂ કરી છે. અગ્રણીઓએ આ બાબતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ અને ખાનગી કંપનીની જોહુકમી સામે વિગતવાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન મનુભાઈ કૈલાએ પત્રકારો સાથે વાતચીતમાં મોટો દાવો કરતા જણાવ્યું છે કે, "સરકાર અને વહીવટીતંત્ર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણ હકારાત્મક છે. આગામી બે થી ત્રણ દિવસની અંદર ખેડૂતોના તમામ પ્રશ્નોનું કાયમી, સંતોષકારક અને સુખદ નિરાકરણ આવી જશે તેવી અમને પૂરી આશા છે." આ હકારાત્મક જાહેરાત બાદ હવે આ આંદોલનનો ટૂંક સમયમાં સુખદ અંત આવે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
