તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
જેતપુરના પેઢલામાં ખેડૂતોએ માનવ સાંકળ રચીને વિજ કર્મચારીઓને અટકાવ્યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૨: જેતપુર તાલુકાના પેઢલા ગામે જેટકોની વીજ ટાવરના એસઆરઆઈ (ડિશનો હુક) તૂટી જતા તે રિપેર કરવા આવેલ વીજ કર્મચારીઓને ખેડૂતોએ માનવ સાંકળ રચી ઉભા પાકના ખેતરમાં ઘૂસતા રોકી, ખેડૂતોએ રજુઆત કરેલ કે ૧૯૮૭માં ટાવર માટે જમીન સંપાદન કરી ત્યારે પણ જમીનનું વળતર નથી આપ્યું એટલે પેલા જમીનનું વળતર તેમજ ૨૫ વર્ષથી વધુ સમય થઈ ગયો હોય જમીન સંપાદનનો ફરીથી કરાર અને રીપેરીંગ વખતે પાક નુક્શાનીનું ચાર ગણું વળતર આપવાની માંગ કરી હતી.
એક બાજુ મોરબીના જેતપર ગામમાં ખેતરમાં વીજ ટાવર નાખવા માટે જમીન સંપાદનના વળતર મુદ્દે ઘણા સમયથી ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે જેતપુરથી જૂનાગઢના શાપુર ગામ સુધી ૧૯૮૭માં વીજ ટાવરો નાખેલ તે માટે કરેલ જમીન સંપાદનનું વળતર ૩૯ વર્ષ થઈ ગયા છતાં હજુ સરકાર દ્વારા આપવામાં આવેલ ન હોય તે બાબતના આંદોલનનું રણશીંગું ખેડૂતોએ ફૂંકી દીધું છે. જેમાં પેઢલા ગામના ખેડૂત મહેશભાઈ સાળંદિયાના ખેતરમાં આ લાઈનના ટાવરના ડિશનું હુક તૂટી જતા ડિશ લટકી રહી છે જેને કારણે એક વીજ લાઈન બંધ છે. આ હુક રીપેર કરવા માટે જેટકોના કર્મચારીઓ આવતા ખેડૂત મહેશભાઈએ તેમનો વિરોધ કર્યો હતો. તેમના ટેકામાં આજે જેતપુરથી શાપુર સુધીના ખેડૂતો આવી પહોંચ્યા હતાં અને વીજ કર્મચારીઓને માનવ સાંકળ રચી ખેતરમાં પ્રવેશતા રોકયા હતાં.
આ અંગે ખેડૂતોએ વીજ અધિકારીઓ સમક્ષ સવાલ ઉઠાવેલ કે ઇ.સ. ૧૯૮૭માં ખેતરોમાં ટાવરો ઉભા કરાયા ત્યારે જમીન સંપાદન બાબતનું કોઈ વળતર આપવામાં આવેલ નથી અને તે બાબતે આરટીઆઇમાં પણ વીજ વિભાગ પાસે જમીન સંપાદન અંગે કે વળતર અંગે કોઈ ડોકયુમેન્ટ ન હોવાની માહિતી આપેલ. એટલે છેલ્લા ૩૯ વર્ષથી વીજ વિભાગ ખેડૂતની જમીન વાપરી રહી છે તેનું વળતર તેમજ હવે વીજ ટાવર અંગે ફરીથી જાહેરનામું બહાર પાડી વળતર આપવામાં આવે અને વીજ લાઈન રીપેરીંગ વખતે ઉભેલ પાકને નુકશાન થાય તેનું ચાર ગણું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે ૨૨૦ કે.વી વીજ લાઈન જેટકોના નાયબ ઈજનેર કે,ડી. આરદેશણાએ જણાવેલ કે, રિપેરિંગ માટે ટીમને પાક વચ્ચેથી જવું પડે તો પાકને નુકસાન થઈ શકે છે. જો રિપેરિંગ દરમિયાન પાકને નુકસાન થશે તો નિયમ મુજબ ખેડૂતને વળતર આપવામાં આવશે. તેમજ તેઓની પાસે વર્ષ ૧૯૮૭માં જમીન સંપાદન કરેલ તે અંગેના તેમજ વળતર અંગેના કોઈ ડોકયુમેન્ટ હાલ ઉપલબ્ધ નથી.
જેતપર બાદ જેતપુરના ખેડૂતો પણ સરકારની વીજ ટાવરોમાં જમીન સંપાદનના વળતર અંગે આંદોલનનું રણશીંગું ફૂંકીને સરકાર સમક્ષ મુશ્કેલી ઉભી કરી દીધી છે. હવે જોવાનું રહ્યું સરકાર આ અંગે શુ નિર્ણય લ્યે છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
