News of Thursday, 14th May 2026
ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા અને રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતો ત્રસ્ત: ઉપલેટા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન : મફતમાં ડુંગળીનું વિતરણ
સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો, ખાતર-બિયારણના તોડીંગ વધારાને પાછો ખેંચવા માંગ : જો સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી તા.૧૪ : ખેડૂતોને ડુંગળી સહિતના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા અને રાસાયણિક ખાતરના ભાવમાં તોડીંગ વધારો ઝીંકાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે ઉપલેટા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.મફતમાં ડુંગળીનું વિતરણ કરાયું હતું.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, ખેડૂતોએ મહામહેનતે પકવેલી ડુંગળીના બજારમાં પૂરતા ભાવ મળતા નથી, જ્યારે બીજી તરફ ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવમાં બેફામ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંઘવારીના મારમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ તો દૂર, ખેતી ખર્ચ પણ માંડ નીકળે છે.
ઉપલેટા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સરકારને તાત્કાલિક ડુંગળીના પોષણક્ષમ ભાવ જાહેર કરવા, ખાતર-બિયારણના ભાવવધારાને પાછો ખેંચવા અને ખેડૂતોને રાહત આપે તેવી નીતિ બનાવવાની માંગ સાથે અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
