તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
વીજલાઈનના વળતર મુદ્દે સરકારના નવા નિયમો સામે પણ ખેડૂતોમાં ભારે અસંતોષ : જેતપરમાં 'ખેડૂત આંદોલન પાર્ટ-૩'ની વ્યૂહરચના ઘડવા માટે મહત્વની બેઠક શરૂ
સંગઠનને મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા મોરબી, રાજકોટ અને જામનગર સહિત રાજ્યના ૧૨ જિલ્લાના પ્રતિનિધિઓ, સરપંચો અને ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે આંદોલનનું રણશિંગુ ફૂંકાયું

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનના વળતરને લઈને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા નવા નિયમોથી ખેડૂતોમાં હજુ પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકારના આ વલણ સામે જેતપર ખેડૂત સમિતિએ હવે આરપારની લડાઈ લડી લેવા માટે 'ખેડૂત આંદોલન પાર્ટ-૩'નું રણશિંગુ ફૂંકી દીધું છે. આ આંદોલનના આગામી તબક્કાની વ્યૂહરચના અને આયોજન અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવા માટે આજે બુધવારની રાત્રે જેતપર ખાતે એક અત્યંત મહત્વની અને અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ મોટા પાયે શરૂ થઈ ગઈ છે.
૧૨ જિલ્લાના પ્રતિનિધિઓ અને સભ્યો એકત્રિત થયા:
આંદોલનના ત્રીજા તબક્કાને વધુ મજબૂત અને વેગવંતો બનાવવા માટે તેમજ સંગઠનનું માળખું સુદ્રઢ કરવાના હેતુથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સંગઠનના સભ્યો અને આગેવાનો જેતપર ખાતે ઉમટી પડ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત કુલ ૧૨ જિલ્લાના સંગઠનના સભ્યો અને પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા છે. આ તમામ પ્રતિનિધિઓ એકમંચ પર આવીને સરકાર સામે લડત ચલાવવા માટે પોતાની આગામી આક્રમક રણનીતિ નક્કી કરી રહ્યા છે.
ગ્રામ્ય સ્તરેથી મળ્યું ભારે જનસમર્થન, સરપંચો પણ મેદાને:
જેતપરમાં શરૂ થયેલી આ મહત્વની મિટિંગમાં માત્ર સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો જ નહીં, પરંતુ ગ્રામ્ય સ્તરેથી પણ અભૂતપૂર્વ અને ભારે જનસમર્થન જોવા મળી રહ્યું છે. ખેડૂતોના હિતની આ લડાઈમાં ગ્રામ પંચાયતોના સરપંચો પણ મોટી સંખ્યામાં આગળ આવ્યા છે. બેઠકમાં મોટી સંખ્યામાં સરપંચો અને ધરતીપુત્રો ખાસ ઉપસ્થિત રહીને આંદોલનના આગામી તબક્કાને સફળ બનાવવા માટે સામૂહિક રીતે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ઉપસ્થિત તમામ સભ્યો આગામી દિવસોમાં યોજાનારા વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમોની આખરી રૂપરેખા તૈયાર કરવામાં જોતરાયા છે, જેને પગલે આગામી સમયમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
