તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
આમરણ ચોવીસી પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ : 5 નવેમ્બરે કલેકટરને અપાશે આવેદન.
માત્ર 4 ઈંચ વરસાદમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત દયનીય:જામનગર જિલ્લાને લાભ મળ્યો પણ મોરબીમાં ભળેલા આમરણ પંથકના 24 ગામો 'ન ઘરના ન ઘાટના' જેવી સ્થિતિમાં.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના આમરણ ચોવીસી પંથકમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને પગલે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોવા છતાં આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ અન્યાયના વિરોધમાં સ્થાનિક સરપંચો અને ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સિંચાઈના અભાવે અને ખારા પાણીની સમસ્યા વચ્ચે પાયમાલ થયેલા ખેડૂતોની વ્યથા રજૂ ક૨વામાં આવી હતી. ભૌગોલિક અને રાજકીય વિસંગતતાને કારણે આ પંથકના ગામોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો સુર ઉઠ્યો છે, જેને લઈને આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવાયો છે.
આમરણ ખાતે કિસાન આગેવાન અને પૂર્વ સરપંચ નિમેષભાઈ ગાંભબા, કિસાન આગેવાનો કેશુભાઈ કાસુન્દ્રા અને મોહનભાઈ જીલરીયાની આગેવાની હેઠળ આજુબાજુના ગામોના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. આગેવાનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ પંથકમાં ચોમાસામાં માત્ર 4 ઈંચ જેટલો જ વરસાદ પડયો છે. ખેડૂતોએ સાહસ કરીને કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ અપૂરતા વરસાદને લીધે ઊભો મોલ બળી ગયો છે. દરિયાકાંઠાના આ વિસ્તારમાં ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત છે કારણ કે તળમાં પાણી ખારું છે અને સિંચાઈની કોઈ સુવિધા નથી. બિયારણ, ખાતર અને દવામાં કરેલો ખર્ચ માથે પડતા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
વધુમાં ખેડૂતોએ રાજકીય અન્યાયની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આમરણ પંથકના 24 ગામોને મોરબી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યા છે. હાલ આ ગામો જામનગર સંસદીય મતવિસ્તાર સાથે જોડાયેલા છે. સરકારે જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ મોરબી જિલ્લામાં આવતા હોવાથી આમરણ પંથકના ગામો 'ન ઘરના ન ઘાટના' જેવી મુંઝવણ અનુભવી રહ્યા છે અને આર્થિક સહાયથી વંચિત રહી ગયા છે. આ મામલે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આગામી તા.5 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
