News of Thursday, 9th July 2026
વીજલાઈનના વળતર મુદ્દે મોરબીના જેતપરમાં ૧૨ જિલ્લાના ખેડૂતો અને ૧૦૦ ગામના સરપંચોની મહાબેઠક યોજાઈ : સરકારના પરિપત્રને ફગાવી ‘આંદોલન પાર્ટ-૩’ ની વ્યાપક રણનીતિ ઘડાશે : જેટપર ખાતે હજુ ૪ દિવસ સુધી ખેડૂત છાવણી યથાવત રહેશે
મોડી રાત્રે સરપંચોએ લેટરપેડ પર પરિપત્રનો અસ્વીકાર કરી સહીઓ સાથેના પત્રો સમિતિને સોંપ્યા : ગુરુવારે વધુ ૧૩ જિલ્લાના ખેડૂતો-સરપંચોના મંતવ્યો લીધા બાદ રાજ્ય સ્તરની કમિટી આગામી આયોજન જાહેર કરશે

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના જેતપર ગામેથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને રાજ્યવ્યાપી બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ લડતને સમગ્ર ગુજરાતમાં વિસ્તારવા અને રાજ્યભરના ધરતીપુત્રોને તેમાં જોડવા માટેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. જેતપર ખેડૂત સમિતિ દ્વારા ગઈરાત્રે એક મહત્વની મહાબેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨ જિલ્લાના ખેડૂતો અને ૧૦૦ જેટલા ગામોના સરપંચોએ રૂબરૂ ઉપસ્થિત રહીને ‘આંદોલન પાર્ટ-૩’ અંગે પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકથી પંથકના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે.
૧૦૦ ગામના સરપંચોએ સરકારનો પરિપત્ર અમાન્ય ગણાવ્યો:
જેતપર ખેડૂત સમિતિના આગેવાન નેહુલ અમૃતિયાએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મહાબેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત કુલ ૧૨ જિલ્લાના ખેડૂતો અને સરપંચો ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ૧૦૦ ગામના સરપંચોએ પોતાના સત્તાવાર લેટરપેડ પર સરકારના વળતર અંગેના નવા પરિપત્રને અમાન્ય ગણાવતું લખાણ લખ્યું હતું, અને તેની નીચે સ્થાનિક ખેડૂતોના નામ તેમજ સહીઓ કરાવીને આ પત્રો જિલ્લા વાઈઝ ખેડૂત સમિતિ પાસે જમા કરાવી દીધા છે. આ ઉપરાંત તમામ ઉપસ્થિત લોકોને એક કાગળ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ આંદોલનની આગળની દિશા નક્કી કરવા માટે પોતાના મહત્વના લેખિત સૂચનો આપ્યા હતા.
ગુરુવારે વધુ ૧૩ જિલ્લાના ખેડૂતો જોડાશે, કમિટીની રચના કરાશે:
આંદોલનના આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે નેહુલ અમૃતિયાએ વધુમાં ઉમેર્યું કે, ગુરુવારે, ૯ તારીખે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા સહિત અન્ય ૧૩ જિલ્લાના ખેડૂતો અને સરપંચો જેતપર ખાતે આવી પહોંચશે. આ તમામ જિલ્લાના પ્રતિનિધિઓ પાસેથી પણ આંદોલન અંગે વિસ્તૃત મંતવ્યો લેવામાં આવશે. તમામ ૨૫ જિલ્લાના ખેડૂતોના સૂચનો ભેગા કરીને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને સર્વસંમતિથી આગામી આક્રમક રણનીતિ જાહેર કરશે. આ લડતનું સંચાલન કરવા માટે ટૂંક સમયમાં જ એક ‘ગુજરાત સ્તરની ખેડૂત કમિટી’ ની પણ સત્તાવાર રચના કરવામાં આવનાર છે.
૪ દિવસ સુધી ખેડૂત છાવણી યથાવત રહેશે:
સમિતિના જણાવ્યા અનુસાર, રાજ્યના અનેક ગામોએ સરકારના આ પરિપત્રનો લેખિતમાં અસ્વીકાર કર્યો છે. જે અંતરિયાળ વિસ્તારના સરપંચો કે ખેડૂતો રાત્રિ બેઠકમાં રૂબરૂ આવી શક્યા નથી અથવા વહીવટી કારણોસર પોતાના લેટરપેડ સાથે લાવી શક્યા નથી, તેઓ આગામી દિવસોમાં પોતાના વાંધા અરજીના પત્રો કુરિયર મારફતે જેતપર મોકલશે. આ તમામ પત્રો અને દસ્તાવેજો એકત્રિત કરવાની પ્રક્રિયા પૂર્ણ થવામાં હજુ અંદાજે ૪ દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે. આ પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય અને નવું આયોજન નક્કી ન કરાય, ત્યાં સુધી જેતપર ખાતે ચાલી રહેલી હાલની ખેડૂત છાવણી બિલકુલ યથાવત રાખવામાં આવશે. આ છાવણી અંગેનો આગળનો આખરી નિર્ણય પણ નવી રચાનારી ગુજરાતના ખેડૂતોની કમિટી દ્વારા જ સર્વાનુમતે લેવામાં આવશે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
