News of Saturday, 16th May 2026
મહુવા સરકારી જનરલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં બે વાર પંખા પડયા, દર્દીઓ ઈજાગ્રસ્ત : તંત્રની ઘોર બેદરકારી છતી થઇ

(રહિમ વસાયા દ્વારા) મહુવા તા.૧૬: ભાવનગર જિલ્લાના મહુવા શહેરની સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓના માથે મોત લટકતું હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ-અલગ વોર્ડમાં છત પરથી સીલિગ પંખા તૂટી પડવાની ઘટના બની છે, જેમાં એક મહિલા અને એક યુવાન ઈજાગ્રસ્ત થયા છે.
બાળકોના વોર્ડમાં મહિલા લોહીલુહાણઃ ગઈકાલે ગુરુવારે સાંજે બાળકોના વોર્ડમાં દર્દીના સગા તરીકે રહેલી એક મહિલા પર ચાલુ હાલતમાં ફરતો સીલિગ પંખો અચાનક તૂટીને પડ્યો હતો. પંખો પડતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
આજે યુવાન માથે પંખો પડ્યોઃ આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આજે શુક્રવારે હોસ્પિટલના અન્ય વોર્ડમાં એક યુવાન દર્દીના માથે પણ છત પરથી પંખો પડ્યો હતો. સતત બીજા દિવસે બનેલી આ ઘટનાથી દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
રિનોવેશન બાદ પણ દુર્ઘટના, તંત્રની પોલ ખુલીઃ ચોંકાવનારી બાબત એ છે કે મહુવા સરકારી હોસ્પિટલનું રિનોવેશન માંડ એક વર્ષ પહેલાં જ પૂર્ણ થયું છે. આટલા ટૂંકા ગાળામાં જ છત પરથી પંખા પડવાની બે ઘટનાઓ બનતાં હોસ્પિટલ તંત્રની કામગીરી અને મેન્ટેનન્સ સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે રિનોવેશનમાં વપરાયેલી સામગ્રી હલકી ગુણવત્તાની હતી કે પછી નિયમિત જાળવણીનો અભાવ છે ?
અગાઉ પણ બેદરકારીના આક્ષેપોઃ ઉલ્લેખનીય છે કે મહુવા સરકારી હોસ્પિટલ અગાઉ પણ બેદરકારીના કારણે વિવાદમાં સપડાઈ ચૂકી છે. ઓગસ્ટ ૨૦૨૩માં હોસ્પિટલના જનરલ વોર્ડમાં ૧૦થી વધુ દર્દીઓને દવાનું રિએક્શન આવ્યું હતું, જેમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું હતું. ત્યારે પણ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી.
હાલની પંખા પડવાની ઘટનાઓ અંગે હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી. દર્દીઓની સુરક્ષાને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
