તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ભાવનગર સરકારી શાળામાં ચાલુ ક્લાસે પંખો તૂટી પડ્યોઃ વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ
કુંભારવાડા વિસ્તારની ઘટનાઃ બાળકીઓમાં નાસભાગ-ભયનો માહોલ સર્જાયોઃ વાલીઓમાં રોષ સાથે ચિંતા

ભાવનગરઃ શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ જ્યારે શાંતિપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે ચાલુ વર્ગખંડે અચાનક છત પરથી પંખો નીચે તૂટી પડ્યો હતો. પંખો પડવાના કારણે ક્લાસરૂમમાં બેઠેલી નાની માસૂમ બાળકીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ક્લાસમાં બેઠેલી દીકરીઓનો આબાદ બચાવ થયો છે, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ ભયાનક ઘટના કુંભારવાડાની અક્ષરપાર્ક સોસાયટીમાં આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં બની હતી. આ અકસ્માત અંદાજે 2 દિવસ પૂર્વે થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થતાં જ સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક નગરસેવક કિશન મેર તાત્કાલિક અસરથી શાળા પર દોડી ગયા હતા અને સમગ્ર બનાવ અંગે સ્થળ પર જઈને રૂબરૂ વિગતો મેળવી હતી.
શાળાની મુલાકાત લીધા બાદ સ્થાનિક નગરસેવક કિશન મેર દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અને તંત્રની કામગીરી સામે ઉગ્ર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી શાળાઓની હાલત દિન-પ્રતિદિન કથળી રહી છે અને બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ચાલુ ક્લાસે પંખો પડવાની આ ઘટનાને પગલે હવે પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલતા વાલીઓમાં પણ તંત્ર સામે ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
