News of Wednesday, 25th November 2026
સુરેન્દ્રનગરના રાણીપાટમાં કુટુંબી ભાઇઓ વચ્ચે ડખ્ખોઃ રમેશ સોલંકીની હત્યા
સામસામા આક્ષેપઃ પોલીસને અરજી દીધા પછી કાર્યવાહી ન કરી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રપઃ બે દિવસ પહેલા રાણીપાટ ગામે રહેતા ૨૯ વર્ષના રમેશભાઇ લાલજીભાઇ સોલંકી નામના યુવક અને તેના જ કૌટુંબિક ભાઈઓ વચ્ચે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન કુટુંબના જ કેટલાક સભ્યોએ ઉશ્કેરાઈને યુવકને ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તબિયત સુધરતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રજા મળ્યા બાદ યુવકને મોરબી ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો હતો, જ્યાં અચાનક તેની તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલા બનેલી મારામારીની ઘટના અંગે પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ મારને કારણે જ યુવકનો જીવ ગયો છે. હાલ પોલીસે મળતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
આ અંગે સરા આઉટપોસ્ટનાં જયસુખભાઇ ગાબુએ જણાવ્યું હતું કે મૂળીનાં રાણીપાટ ગામે રહેતા યુવકને બે દિવસ પહેલા ઝઘડો થયેલ અને બાદમાં સામાન્ય ઇજા હોવાથી હોસ્પિટલથી રજા આપી દિધેલ. પરંતુ ઘરે આવ્યા બાદ યુવકનું મોત નીપજતા હાલ મળતદેહને પીએમ માટે મોરબી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. વધુ તપાસ ચાલી રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
