News of Wednesday, 15th April 2026
બોટાદના તુરખારોડ વિસ્તારમાં પ્રેમ લગ્નથી નારાજ પરિવારે હથિયારો સાથે હુમલો કરી પોતાની જ દીકરીનું અપહરણ કરી લેતા ચકચાર
પોતાની પત્નીના અપહરણ બાદ ગભરાયેલા જયદેવ વસોયાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી સાસરી પક્ષ વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરી

બોટાદ શહેરના તુરખારોડ વિસ્તારમાં ધોળા દિવસે અપહરણની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નથી નારાજ પરિવારે હથિયારો સાથે હુમલો કરી પોતાની જ દીકરીનું અપહરણ કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે પતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બોટાદના તુરખારોડ પર આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા જયદેવ વસોયા નામના યુવકે અઢી મહિના પહેલા ભાંભણ ગામની યુવતી સાથે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીનો પરિવાર સખત નારાજ હતો. સામાજિક પ્રતિષ્ઠા અને અંગત અદાવત રાખીને યુવતીના પરિવારે આખરે કાયદો હાથમાં લીધો અને એક આયોજનબદ્ધ કાવતરું ઘડી યુવતીને તેના પતિના ઘરેથી ઉઠાવી જવાનું નક્કી કર્યું.
ફરિયાદ મુજબ, અશોકભાઈ ગોહીલ, ભારતીબેન, કનકભાઈ અને અન્ય કેટલાક અજાણ્યા શખ્સો સ્વિફ્ટ ડિઝાયર સહિતના વાહનોમાં સવાર થઈને જયદેવના ઘરે ત્રાટક્યા હતા. આ ટોળું ઘાતક હથિયારો સાથે આવ્યું હતું. ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને ગાળો આપી, ધાકધમકી આપીને યુવતીને પરાણે વાહનમાં બેસાડી દીધી હતી. હુમલાખોરો એટલી ઉતાવળમાં હતા કે કોઈ કંઈ સમજે તે પહેલા જ દીકરીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર અપહરણની ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે વાહનોમાં આવેલા શખ્સો હંગામો મચાવી યુવતીને લઈ જઈ રહ્યા છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો સાબિત થશે. પોતાની પત્નીના અપહરણ બાદ ગભરાયેલા જયદેવ વસોયાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી સાસરી પક્ષ વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદી જયદેવ વસોયાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેમણે કાયદેસર રીતે લગ્ન કર્યા હોવા છતાં સાસરી પક્ષ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હતી અને આખરે હથિયારોના જોરે અપહરણ કરવામાં આવ્યું છે. બોટાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવી છે. હાલ પોલીસ આરોપીઓને પકડવા અને યુવતીને હેમખેમ છોડાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
