News of Sunday, 24th May 2026
નકલી Dy.S.P. બની લોકોને લૂંટતો આરોપી ઝડપાયો: સોહીલખાન પઠાણે ઇલેક્ટ્રિક ઉપકરણોથી બનાવટી આઇકાર્ડ-ફોટા બનાવી સોશિયલ મીડિયામાં ફેલાવ્યા, સાયબર ક્રાઇમ આચરી આર્થિક લાભ મેળવતો હતો, રાજકોટ રેન્જ ટીમે સાયલાથી દબોચ્યો
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની સૂચનાથી PI અપૂર્વ પટેલની ટીમની સફળ કાર્યવાહી: સુરેન્દ્રનગરના સાયલામાંથી 31 વર્ષીય સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ ઝડપાયો, Dy.S.P.ની ખોટી ઓળખ ઉભી કરી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો, સાયલા પોલીસને સોંપાયો

રાજકોટ : આર્થિક લાભ મેળવવા માટે Dy.S.P. કક્ષાના રાજ્ય સેવકની ખોટી ઓળખ ઉભી કરી બનાવટી આઇકાર્ડ અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા એક ઠગને રાજકોટ રેન્જ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય IPSની સૂચનાથી કાર્યવાહી કરતા આ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
કોણ છે આરોપી?
પકડાયેલા આરોપીનું નામ સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ ઉ.વ. 31, રહે. સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ, જિ. સુરેન્દ્રનગર હોવાનું ખુલ્યું છે. આરોપી પોલીસ વિભાગના Dy.S.P. કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો.
કેવી રીતે કરતો હતો ઠગાઈ?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોહીલખાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરીને પોલીસના બનાવટી આઇકાર્ડ, યુનિફોર્મવાળા ફોટા અને દસ્તાવેજો બનાવતો હતો. ત્યારબાદ Dy.S.P. તરીકેની ઓળખ આપી સોશિયલ મીડિયા પર લોકોને વિશ્વાસમાં લઈ સાયબર ફ્રોડ દ્વારા આર્થિક લાભ મેળવતો હતો.
કેવી રીતે ઝડપાયો?
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયે રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સથી માહિતી મેળવી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ વોચમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને સાયલા-સુદામડા ચોકડી પુલ નીચેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
કાયદેસર કાર્યવાહી
આરોપી સોહીલખાન પઠાણને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. તેની પાસેથી બનાવટી આઇકાર્ડ, મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઠગે કેટલા લોકોને નિશાન બનાવ્યા અને કેટલી રકમ પડાવી તે દિશામાં સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
કામગીરી કરનાર ટીમ
આ સમગ્ર કામગીરી PI અપૂર્વ પટેલ, PSI પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, ASI યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, HC રાજદિપસિંહ ઝાલા, PC દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર તથા ટેકનિકલ સેલના PSI પી.સી.સરતેજા, નરેન્દ્રસિંહ રાઠોડ અને બળદેવસિંહ દ્વારા કરવામાં આવી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
