તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 3rd September 2026
ગોંડલના આંબરડીમાં ૪ વર્ષથી કલીનીક ચલાવતો બોગસ ડોકટર કમલેશ લાખાણી ગીરફતાર
મુળ જેતપુરના શખ્સ ટી.વાય.બી.એ સુધી ભણેલો છેઃ પોલીસે કાયદાનું ઇન્જેકશન દીધુ : ડીઆઇજીપી કચેરીના સ્ટાફનો બાતમીના આધારે દરોડોઃ ૮ હજારનો મુદામાલ કબ્જે કરાયો

રાજકોટ, તા., રઃ ગોંડલ તાલુકાના આંબરડી ગામે ડીઆઇજીપી કચેરીના સ્ટાફે દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લાયસન્સ વગર પ્રેકટીસ કરતા બોગસ તબીબને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આરોપી ભાડાની દુકાનમાં છેલ્લા ચાર વર્ષથી કલીનીક ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ ડીઆઇજીપી કચેરી રાજકોટ વિભાગના એએસઆઇ વી.યુ.અરબ, કોન્સ્ટેબલ ભોજાભાઇ ત્રમટા, નિકુલભાઇ રમેશભાઇ અને ડ્રા. જમાદાર રાયમલભાઇ જગમાલભાઇ સહિતનો સ્ટાફ ગોંડલ તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે આંબરડી ગામ મેઇન રોડ પર રામજી મંદીરની સામે કમલેશ લાખાણી ડીગ્રી વગર કલીનીક ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે આંબરડી પીએચસી સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફીસર પ્રિન્સભાઇ સોજીત્રાને સાથે રાખી દરોડો પાડયો હતો.
જયાં બોર્ડ વગરની દુકાનમાં ચાલતા કલીનીકમાં શખ્સની પુછતાછ કરતા પોતાનું નામ કમલેશ બાબુભાઇ લાખાણી (ઉ.વ.૪પ રહે. આંબરડી ગામ, તા. ગોંડલ મુળ એસ.કુમાર રેસીડેન્સી, જુનાગઢ રોડ, જેતપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા ટીવાયબીએ સુધી અભ્યાસ કરનાર કમલેશ પાસે કોઇ ડીગ્રી નહી હોવાનું અને ચાર વર્ષથી કલીનીક ચલાવાતુ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે આ સ્થળેથી એલોપેથીક દવાઓ, સીરીજ, નીડલ અને મેડીકલ પ્રેકટીસને લગતો અન્ય સામાન મળી કુલ રૂા. ૮,૧૦૬ના મુદામાલ કબ્જે કરી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
