તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
સુરેન્દ્રનગરમાં નકલી ડૉક્ટરનો ખેલ ખતમ: ડિગ્રી વગર જ ‘સારવાર’ના નામે રમી રહ્યા હતા લોકોની જિંદગી સાથે!
SOGના દરોડામાં પકડાયો અતુલ બિસ્વા: મેડિકલ ડિગ્રી વિના જ ચલાવતો હતો ક્લિનિક, પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરતો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવને જોખમમાં મૂકીને મેડિકલ પ્રેક્ટિસ કરતા એક બોગસ ડૉક્ટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીના કારણે સમગ્ર પંથકમાં નકલી તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુપ્ત બાતમીના આધારે સપાટો
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, SOGની ટીમે સુરેન્દ્રનગરના ચુડા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે અતુલ અનંત બિસ્વા નામનો શખ્સ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના જ ક્લિનિક ચલાવી રહ્યો હતો. તે લાંબા સમયથી દર્દીઓની તપાસ કરી એલોપેથિક દવાઓ આપતો હતો, જે દર્દીઓના જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શક્યું હોત.
પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ
ઘટનાસ્થળેથી પોલીસે સ્ટેથોસ્કોપ, વિવિધ તબીબી સાધનો, એલોપેથિક દવાઓ અને રોકડ રકમ મળી કુલ ₹12,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચુડા પોલીસ સ્ટેશનમાં આરોપી અતુલ બિસ્વા વિરુદ્ધ 'મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ' અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હવે પોલીસ એ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ કેટલા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો, આટલા સમયથી તેને દવાઓ કોણ પહોંચાડતું હતું અને શું આ કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક નેટવર્ક કે અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે નહીં? આ ધરપકડ બાદ, ગ્રામ્ય વિસ્તારોમાં છૂપી રીતે પ્રેક્ટિસ કરતા અન્ય બોગસ ડૉક્ટરો પર પણ તવાઈ આવવાની શક્યતા છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
