<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સનાતન પર્વ ગુરુપૂર્ણિમાની ગોહિલવાડમાં આસ્થાભેર ઉજવણીનું આયોજન : બગદાણા સહિતના ધામોમાં તડામાર તૈયારીઓ શરુ

બજરંગદાસ બાપુ અને ધનાબાપા સહિતના ગુરુસ્થાનકોમાં ગુરુપૂજન, મહાપ્રસાદ અને ભજન-સત્સંગના વિવિધ કાર્યક્રમો યોજાશે: ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ

ઈશ્વરિયા: સનાતન ધર્મમાં અત્યંત મહત્ત્વ ધરાવતા અને વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખાતા મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભક્તિભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આગામી બુધવારે આવતા આ પર્વને લઈને પ્રખ્યાત ગુરુ આશ્રમ બગદાણા સહિત નાના-મોટા આશ્રમો અને ગુરુસ્થાનકોમાં ઉજવણીની તડામાર તૈયારીઓ આખરી ઓપ લઈ રહી છે. ભારતવર્ષની પ્રાચીન સનાતન પરંપરામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધો અને મહાત્મ્યને ઉજાગર કરતા આ દિવસને ધામધૂમથી મનાવવા સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 વિવિધ ગુરુસ્થાનકોમાં ભક્તિમય આયોજનો:

ભાવિકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર ધરાવતા અગ્રણી સંતો અને ગુરુઓના આસ્થાસ્થાનો ખાતે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં બજરંગદાસ બાપુ, ધનાબાપા, મોંઘી બા, શામળાબાપા, ગોપાલગીરીબાપુ, મસ્તરામબાપા, ગંગા માતાજી, દુઃખીશ્યામબાપુ તેમજ મદનમોહનદાસ બાપુ જેવા સંતોના આશ્રમો અને ધામોમાં ભાવિક સેવકો દ્વારા ગુરુપૂજન અને વંદનાના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.

 

 ભજન, સત્સંગ અને મહાપ્રસાદની વ્યવસ્થા:

ગોહિલવાડના તમામ નાના-મોટા ગુરુસ્થાનકોમાં ગુરુપૂજન અને આરતી ઉપરાંત વિશાળ ભજન-સત્સંગ અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વિવિધ ધામોમાં દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે બેઠક, નિદાન તેમજ ભોજન-પ્રસાદની સુચારુ વ્યવસ્થા જાળવવા માટે આશ્રમના સેવકો અને કાર્યકર્તાઓ રાત-દિવસ તૈયારીઓમાં જોડાયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:52 PM IST)