<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોના મકાન માલિકો પાસેથી અસહ્ય અને વધુ ટેક્ષ ઉઘરાવા સામે ગ્રાહક સુરક્ષા મંડળની મેયર સમક્ષ લેખિત રજૂઆત

૨૦૨૫ માં મહાપાલિકા અસ્તિત્વમાં આવી હોવા છતાં વર્ષ ૨૦૧૩ થી પડાવાતી ઊંચી વેરાની ઉઘરાણી અને પાણી-ગટર કનેક્શન કાપી નાખવાની ધમકીઓથી સ્થાનિકોમાં વ્યાપ્યા રોષ

મોરબી : મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારો અને વિવિધ સોસાયટીઓનો મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ મકાન માલિકો પાસેથી નિયમ વિરુદ્ધનો અને વધુ પડતો ટેક્ષ લેવાતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે, જેના પગલે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ બાબતે મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મહાનગરપાલિકાના મેયરને પત્ર લખીને જણાવ્યું છે કે મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા અને અન્ય વિસ્તારોનો વર્ષ ૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા સમાવેશ કરાયો છે, જેમાં ત્રાજપર સર્વેમાં આવતી ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરની તમામ સોસાયટીઓના ગ્રાહકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેક્ષ જે તે ગ્રામ પંચાયતમાં પહેલેથી જ ભરપાઈ કરી દીધો છે.

તમામ સોસાયટીઓને ક્યારેય અગાઉ જાણ કરવામાં આવી ન હતી કે તેઓ વર્ષ ૨૦૧૩ થી મોરબી મહાનગરપાલિકામાં આવે છે, પરંતુ જ્યારે મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે મકાનધારકો પાસેથી મનસ્વી રીતે ટેક્ષની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે અને જો ટેક્ષ નહીં ભરો તો પીવાના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ખુલ્લી ધમકીઓ આપીને આસામીઓ પાસેથી રૂ. ૪૫ હજાર કે તેની આજુબાજુની મોટી રકમ ભરવા માટે પરાણે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેથી મિલકત ધારકોએ આવો ઊંચો ટેક્ષ નાછૂટકે ભરપાઈ પણ કર્યો છે.

મહાપાલિકા જ્યારે વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી છે ત્યારે ટેક્સ પણ ૨૦૨૫ ના વર્ષથી જ વસૂલવો જોઈએ તેવી તર્કબદ્ધ રજૂઆત ગ્રાહકો કરી રહ્યા છે અને ૨૦૨૫ સુધીનો ટેક્ષ અગાઉ જ ગ્રામ પંચાયતમાં ભરાઈ ગયો હોવાથી ૨૦૧૩ થી વસૂલવામાં આવેલો વધારાનો ટેક્ષ પરત મળવો જોઈએ તેવી માંગ સાથે તમામ મકાન માલિકો વતી ગ્રાહક સુરક્ષા મંડળે ઉગ્ર રજૂઆત કરી છે.

(2:50 PM IST)