તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
એક જ દિ'માં ત્રણેય ઋતુનો અહેસાસ
અચાનક વાદળા છવાયા જાય છેઃ વહેલી સવારે-રાત્રે શિયાળા જેવો અનુભવઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ, તા.૭: ગુજરાત સહિત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ હોવા છતાં રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આજે સવારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહ્યું છે.
જોકે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ત્રણેય ઋતુનો માહોલ છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ૧૦ થી ૧૨ ઓક્ટોબર સુધી વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબ સાગરમાં હલચલ થવાની શકયતાને કારણે કમોસમી વરસાદ અને ગાજવીજની હળવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો ઊંચકાયો છે. ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ ૩૭.૬ થી ૩૮.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં આજે પણ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસ દરમિયાન આકરો તાપ અને બપોરે ઉકળાટ, જ્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનના વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૩.૨ મહત્તમ તાપમાન ૩૬, ભેજ ૮૧ ટકા, પવનની ગતી ૩.૯ કિ.મી. રહી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
