News of Sunday, 26th April 2026
ચૂંટણીના દિવસે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો ઉંચકાયો: ગરમી અને બફારાથી નાગરિકો અકળાયા
મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડવા લાગતા લોકો ગરમીમાં ત્રાહિમામ : વહેલી સવારથી જ આકરો તાપ : લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા.૨૬ : ચૂંટણીના દિવસે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો ઉંચકાયો છે.ગરમી અને બફારાથી નાગરિકો અકળાયા છે.મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડવા લાગતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા છે વહેલી સવારથી જ આકરો તાપ પડવા લાગતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર: શહેરમાં ઉનાળાએ હવે જોર પકડ્યું છે. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર દ્વારા શનિવાર, તા. 26/04/2026ના રોજ નોંધાયેલા તાપમાનની વિગતો મુજબ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાતા દિવસ દરમિયાન ગરમી સાથે બફારાનો પણ અનુભવ થયો હતો. પવનની ગતિ 8.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે જ ગરમી અને બફારાના કારણે મતદારોને અકળામણનો સામનો કરવો પડ્યો હતો.
તંત્ર દ્વારા મતદાન મથકો પર છાયડો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં બપોરના સમયે મતદારોની સંખ્યા ઘટી હતી. તબીબોએ બપોરે 12 થી 4 વાગ્યા સુધી જરૂર વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
