<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

કચ્છના રાપર-ભચાઉ પંથકમાં જીરાના પાકમાં રોગચાળાનો કહેર: હજારો હેક્ટર પાકને નુકસાન

કારીયો અને ઉત્રકના રોગચાળાથી જીરું તથા રાયડાના પાકને ફટકો, ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતરની માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : કચ્છના વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ચાલુ રવિ સિઝનમાં હજારો હેક્ટરમાં જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ સહિતના રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બદલાતા હવામાન વચ્ચે ખાસ કરીને જીરાના પાકમાં રોગચાળો વકરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને મોટા પાયે પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. રાપર તાલુકાના રામવાવ, ચોબારી પટ્ટા સહિત ખેંગારપર, કુડા, ભરૂડિયા, ગવરિપર, સુવઈ, રવ, કણખોઈ, મનફરા તેમજ આસપાસના વિસ્તારોમાં જીરાના પાકમાં કારીયો અને ઉત્રક જેવા રોગચાળાની અસર જોવા મળી રહી છે. ગરમી, ઠંડી અને ઝાકળ ભરેલા વાતાવરણના કારણે પાકમાં રોગચાળો વધ્યો હોવાનું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ રાયડાના પાકમાં પણ રોગચાળાની અસર જોવા મળતાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, વાગડ વિસ્તારમાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હોવાથી રોગચાળાની અસરથી આ વખતે ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ છે. રાપર-ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં રવિ પાકમાં થયેલા નુકસાનનો વ્યાપક સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

આ અંગે કિસાન સંઘના પ્રમુખ ખેંગારભાઈ તેજાભાઈ ઢીલા સહિત ડાયા નારણ સોનારા, જેસા બીજલ આહિર, હમીર પેથા સોનારા, ગોવિંદ કાયા વરચંદ, પ્રભુ નામેરી મનવર, ધારા લાલા ચાવડા, પ્રભુ સવા ચાવડા સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેતીવાડી વિભાગ દ્વારા દર વર્ષે રવિ પાકના વાવેતરના આંકડા જાહેર કરવામાં આવે છે, તેવી જ રીતે રોગચાળાના કારણે પાકને થયેલા નુકસાનના આંકડા પણ એકત્રિત કરવા જોઈએ.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, રાપર અને ભચાઉ તાલુકામાં અંદાજે 10થી 12 હજાર હેક્ટર વિસ્તારમાં રવિ પાકને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગામેગામ સર્વે હાથ ધરી વાસ્તવિક નુકસાનનો અંદાજ મેળવવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને નિયમ મુજબ સહાય-વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(1:24 PM IST)