તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ધ્રોલના નાના ગરેડીયા ગામનો પ્રવેશોત્સવ બન્યો યાદગારઃ દાતાએ બાળકો માટે દર્શાવી ઉદારતા
એક તરફ માસૂમોનો શાળા પ્રવેશોત્સવ, બીજી તરફ પેઢીઓનું ભવિષ્ય સુધારતા મહાદાતાને વંદન.. : નાના ગરેડીયા પ્રાથમિક શાળાના વિસ્તાર માટે જમીનદાતા બીજલભાઈ શિયાર આહિર દ્વારા ગામ નજીકની એક વીઘાથી વધુ કિંમતી જમીનનું દાનઃ સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માન

(સંજય ડાંગર દ્વારાા ધ્રોલ,તા.૨૬: ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા પ્રાથમિક શાળા પરિસરમાં એક તરફ નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ નિમિત્તે ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬'નો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યાં કિલ્લોલ કરતાં ભૂલકાઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા હતા. તો બીજી તરફ, ગામના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કાજે પોતાની કિમતી જમીનનું દાન આપનાર જમીનદાતાનું સમસ્ત ગામ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
અંદાજીત ૮૦૦ની વસ્તી ધરાવતા નાના એવા આ ગામની અંદર શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળે છે. ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે, ધોરણ ૧ થી ૮ નો એક પણ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ માટે ગામની બહાર ભણવા જતો નથી, તમામ બાળકો પોતાની ગામની જ શાળામાં અભ્યાસ કરે છે. હાલમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯ જેટલી છે. જોકે, ઉત્તરોત્તર વધતી સંખ્યા સામે શાળાની હાલની જગ્યા નાની પડતી હોવાથી મોટા કેમ્પસની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.
ગામના બાળકોની આ મુશ્કેલીને સમજીને ગામનું ગૌરવ અને ઉદારતાની મૂર્તિ એવા શ્રી બીજલભાઈ ગોવિદભાઈ શિયાર આહિર, આગળ આવ્યા હતા. તેમણે 'વિદ્યાદાન એ જ મહાદાન'ની ઉક્તિને સાર્થક કરતા, ગામની સાવ નજીક આવેલી પોતાની માલિકીની કિમતી જમીનમાંથી અંદાજીત એક વીઘા કરતાં પણ વધારે જમીન નિઃસ્વાર્થ ભાવે શાળાના વિસ્તાર માટે દાનમાં અર્પણ કરી દીધી છે.
આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, બીજલભાઈએ માત્ર જમીનનો ટુકડો નથી આપ્યો, પરંતુ ગામની આવનારી પેઢીઓ માટે પ્રગતિ અને સફળતાના દ્વાર ખોલી આપ્યા છે. આ પવિત્ર ભૂમિ પર ભણીને જ્યારે ગામના દીકરા-દીકરીઓ દેશ-વિદેશમાં નામ રોશન કરશે, ત્યારે દરેક સફળતાના પાયામાં આ દાનની સુવાસ મહેકશે.
આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, સમસ્ત ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ વતી જમીનદાતા શ્રી બીજલભાઈ ગોવિંદભાઈ શિયારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી, તેમનુ સન્માન આપી કોટી-કોટી વંદન કરવામાં આવ્યા હતા.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
