તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
કચ્છના ગાંધીધામમાં ‘રન ફોર યુનિટી’ને ઉત્સાહભેર પ્રતિસાદ: એકતાના સંકલ્પ સાથે દોડ્યા નાગરિકો : ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાવ્યું
મેયર દિવ્યાબેન નાથાણી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરા, ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય અને ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે ‘રન ફોર યુનિટી’ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ દોડમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, પોલીસ અને સુરક્ષા દળોના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દાદા ભગવાન મંદિર નજીક આવેલા ડીપીટી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ દોડને ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામનાં મેયર દિવ્યાબેન નાથાણી, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દોડમાં જોડાયેલા નાગરિકો અને યુવાનોએ એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણ અને અખંડ ભારતના સ્વપ્નને યાદ કરી સૌએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં ગાંધીધામના નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા, અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી પીઆઈ એસ.વી. ગોંજીયા, એસઓજી પીઆઈ એમ.સી. વાળા, ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ અને બી-ડિવિઝન પીઆઈ જે.એમ. વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ દિનેશ યાદવ, કમાન્ડન્ટ શિવકુમાર, ખીમજીભાઈ ફફલ, ભચાઉના એસડીએમ અભિષેક તાલે સહિત પોલીસ, આર્મી અને બીએસએફના જવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ જોડાયા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
