News of Thursday, 1st October 2026
એનિમિયા સામેની લડતમાં ‘ડબલ ફોર્ટિફાઇડ મીઠા’ના ઉપયોગ પર ભાર : પોષણ માહ અંતર્ગત ભુજમાં તાલીમ કાર્યક્રમ યોજાયો
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને જિલ્લા પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય, શિક્ષણ અને પુરવઠા વિભાગના અધિકારીઓને ફૂડ ફોર્ટિફિકેશન અંગે માર્ગદર્શન :

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : પોષણ માહ અંતર્ગત સુપોષિત ભારત અને એનિમિયા મુક્ત ભારતના ધ્યેયને સાકાર કરવા રોજિંદા આહારમાં ફોર્ટિફાઇડ ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે તાલીમ કાર્યક્રમ ભુજોડી સ્થિત વંદેમાતરમ્ મેમોરિયલ ખાતે યોજાયો હતો. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને જિલ્લા પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા કક્ષાના આરોગ્ય, શિક્ષણ અને પુરવઠા વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
માસ્ટર ટ્રેનર જગદીશ સાઠેએ શરીર માટે જરૂરી સૂક્ષ્મ પોષકતત્ત્વો, ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ અંગે માહિતી આપી હતી. તાલીમ દરમિયાન વિવિધ વીડિયો અને પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા આ ખાદ્યપદાર્થો અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી વી.એચ. બારહટે તાલીમના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પુરવઠા મેનેજર યાદવ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (MDM) ડી.એન. લહુઆએ તાલીમનો લાભ ગ્રાઉન્ડ લેવલે લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સંકલન ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ-GVTના રિજનલ કો-ઓર્ડિનેટર વિપુલ ઠાકરે કર્યું હતું. ડબલ ફોર્ટિફાઇડ મીઠામાં આયોડિન સાથે આયર્ન ઉમેરવામાં આવે છે, જે એનિમિયા સામે રક્ષણ અને શરીરમાં જરૂરી પોષકતત્ત્વોની પૂર્તિમાં મદદરૂપ બને છે. રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકો માટે PDS હેઠળ ‘કલ્પતરુ’ બ્રાન્ડ તથા શાળાઓમાં PM પોષણ યોજના હેઠળ ‘પોષક’ બ્રાન્ડનું આ મીઠું ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તાલીમમાં રસોઈ તૈયાર થયા બાદ મીઠું ઉમેરવા તથા તેને ભેજ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર ચુસ્ત બરણીમાં સંગ્રહવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ પુખ્ત વ્યક્તિએ દિવસમાં મહત્તમ 5 ગ્રામ જેટલું મીઠું લેવું જોઈએ.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
