<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મજબૂત ગ્રામીણ ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર અને નાણાકીય રીતે સક્ષમ પંચાયતો પર ભાર : કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલ

ભુજ ખાતે પંચાયતી રાજ સંસ્થાઓની પોતાની આવકના સ્ત્રોતો વધારવા યોજાઈ સલાહકાર સમિતિની બેઠક; સાંસદ ગેનીબેન ઠાકોર, ઉમેશભાઈ પટેલ સહિત પંચાયતી રાજ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલે મંગળવારે કચ્છના ભુજ ખાતે ‘પંચાયતી રાજ સંસ્થાઓમાં આવકના પોતાના સ્ત્રોતોનું એકત્રીકરણ’ વિષય પર યોજાયેલી સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય સ્વાયત્તતા મજબૂત બનાવવા, પોતાની આવક ઊભી કરવાની ક્ષમતા વધારવા અને ટકાઉ ગ્રામીણ વિકાસ માટે ઉપલબ્ધ નાણાકીય સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલે પંચાયતોને નાણાકીય રીતે વધુ આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પાયાના સ્તરે કાર્યરત પંચાયતી રાજ સંસ્થાઓ વધુ નાણાકીય રીતે સક્ષમ, કાર્યક્ષમ અને જવાબદાર બને તે આવશ્યક હોવાનું રેખાંકિત કર્યું હતું. પંચાયતો પાસે પોતાના આવકના સ્ત્રોતો મજબૂત બને તો સ્થાનિક વિકાસનાં કાર્યોને વધુ વેગ મળી શકે અને ગ્રામ્ય સ્તરે વિકાસની જરૂરિયાતો અનુસાર સંસાધનોનો અસરકારક ઉપયોગ થઈ શકે તે બાબત પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં લોકસભાનાં સાંસદ ગેનીબેન નાગાજી ઠાકોર અને ઉમેશભાઈ બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિનીત જોશી, સંયુક્ત સચિવો મુક્તા શેખર અને રાજેશ કુમાર સિંહ, અધિક વિકાસ કમિશનર યોગેશ નિર્ગુડે, મંત્રાલયના નાયબ સચિવ દીપેન્દ્ર સિંહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠકમાં સશક્ત, નાણાકીય રીતે સુદૃઢ અને આત્મનિર્ભર પંચાયતોને મજબૂત ગ્રામીણ ભારતના નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો. પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય ક્ષમતામાં વધારો કરીને સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી અને તેના માધ્યમથી ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવું એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો

(6:25 PM IST)